ઓડિયો ક્લિપો મનપાનાભવિષ્યના રાજકારણમાં પણમહત્વનો ભાગ ભજવી શકે:પ્રથમ મેયરની રેસમાં મિત્તલ પ્રજાપતિ આગળ
મહેસાણા મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા મહત્વના હોદ્દાઓ માટે 26 મે મંગળવારના રોજ ચૂંટણી યોજાવાની છે. તે પહેલાં આજે સોમવારે ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવશે. ભાજપ પક્ષના સૂત્રોનું માનીએ તો પ્રથમ મેયરની રેસમાં મિત્તલબેન પ્રજાપતિ સૌથી આગળ છે. જ્યારે ડેપ્યુટી મેયર પદ માટે નિલેશ હરડે તેમજ કારોબારી ચેરમેન પદ માટે દીપક પટેલ કે રાકેશ પટેલનું નામ આવી શકે છે. મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની ચૂંટણી પહેલાં જ ઓડિયો ક્લિપકાંડ સામે આવતાં ભાજપની આંતરિક જૂથબંધી ચર્ચાના કેન્દ્રમાં આવી છે, જેના કારણે આંતરિક સમીકરણો અને રાજકીય ગણિત ઉપર તેની અસર જોવા મળી રહી છે. હોદ્દા માટે અત્યાર સુધી ચર્ચામાં રહેલા કેટલાક મુખ્ય દાવેદારોના નામોમાં અચાનક ફેરફાર થયાની ચર્ચાઓ પણ છે. રાજકીય વિશ્લેષકોના મતે આ ઓડિયો ક્લિપો મનપાના ભવિષ્યના રાજકારણમાં પણ મહત્વનો ભાગ ભજવી શકે છે. જોકે, આજે ફોર્મના મેન્ડેટ પરથી ચિત્ર સ્પષ્ટ થઈ જશે. મેયર પદ માટે અગાઉ અનેક નામો ચર્ચામાં હતા, પરંતુ હવે મિત્તલ હર્ષદભાઈ પ્રજાપતિનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. મિત્તલબેન અગાઉ નગર પાલિકાની ટર્મમાં કોર્પોરેટર તરીકે સેવા આપી ચૂક્યાં છે. ડેપ્યુટી મેયર પદ માટે નિલેશ હરડે સૌથી પ્રબળ દાવેદાર તરીકે સામે આવ્યા છે. જ્યારે તિજોરીની ચાવી ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે દીપકભાઇ પટેલ અને રાકેશભાઇ પટેલના નામ મોખરે ચાલી રહ્યા છે. જ્ઞાતિ આધારિત સમીકરણોને ધ્યાનમાં રાખીને મહત્વના ત્રણેય હોદ્દા માટે નક્કી કરાયેલા નામોનું મેન્ડેટ આપવામાં આવશે. ત્યાર બાદ મનપામાં ઉમેદવારી નોંધાવશે. કારોબારી સભ્યોના નામ પ્રથમ બેઠકમાં જાહેર કરાશે સૂત્રોના જણાવ્યા મુજબ, કારોબારી સમિતિ માટે 12 સભ્યોના નામ પણ પ્રથમ બેઠકમાં જાહેર કરવામાં આવશે. 26 મેના રોજ ટાઉનહોલમાં મળનારી મનપાની પ્રથમ બેઠકમાં 52 સભ્યોની હાજરીમાં હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ દરમિયાન આંતરિક જૂથબંધીને નિયંત્રિત કરવા માટે પ્રદેશ નેતૃત્વ પણ સક્રિય બન્યું છે. પક્ષમાં શિસ્તભંગ બદલ કેટલાક કડક નિર્ણયો પણ લેવામાં આવી શકે છે.
Read Original Article →