શંકુઝ વોટરપાર્કના બાઉન્સપર જીવલેણ હુમલો:લાઈનમાં ઊભા રહેવાનું કહેતા ચાર શખ્સોએ રસ્તામાં આંતરી ધોકા ફટકાર્યા, હાથમાં ફ્રેક્ચર

Gujarat6/9/2026, 3:01:06 PM
શંકુઝ વોટરપાર્કના બાઉન્સપર જીવલેણ હુમલો:લાઈનમાં ઊભા રહેવાનું કહેતા ચાર શખ્સોએ રસ્તામાં આંતરી ધોકા ફટકાર્યા, હાથમાં ફ્રેક્ચર
મહેસાણાના ગોકુળગઢના મૂળ વતની અને હાલ બોરીયાવી ખાતે રહેતા 29 વર્ષીય સચિનભારથી વિષ્ણુભારથી ગોસ્વામીએ લાંઘણજ પોલીસ મથકમાં ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. સચિનભારથી છેલ્લા એક મહિનાથી શંકુઝ વોટરપાર્કમાં બાઉન્સર તરીકે નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. લાઈનમાં ઉભા રહેવાનું કહેતા માથાકૂટ થઈ હતી ગઈકાલ તારીખ 8 જૂન 2026 ના રોજ બપોરે આશરે અઢી વાગ્યાના સુમારે સચિનભારથી વોટરપાર્કમાં 'ડી ટાવર' નામની રાઈડ પાસે ન્હાવા આવેલા પ્રવાસીઓને લાઈનમાં રાખવાની પોતાની ફરજ પર હતા. આ દરમિયાન ત્યાં આવેલા ચાર માણસો લાઈનમાં ઊભા રહેતા ન હોવાથી, બાઉન્સરે તેમને નિયમ મુજબ લાઈનમાં ઊભા રહેવા જણાવ્યું હતું. આ બાબતની અદાવત રાખીને ચારેય શખ્સો બાઉન્સર સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા, જોકે તે સમયે બાઉન્સરે તેમને સમજાવીને શાંત પાડ્યા હતા. ઘરે જતી સમયે ચારેય શખસોએ આંતરી હુમલો કર્યો સાંજે આશરે સવા છ વાગ્યાના સુમારે બાઉન્સર સચિનભારથી પોતાની નોકરી પૂરી કરીને પોતાના મોટરસાયકલ નંબર GJ-01-US-3664 પર ઘરે જવા નીકળ્યા હતા. આ દરમિયાન ધોળાસણથી લીંચ જતા રસ્તા પર આવેલા બિલેશ્વર મહાદેવ મંદિર પાસે પહોંચતા જ, એક સિલ્વર કલરની શેવરોલે કંપનીની ગાડી નંબર GJ-01-0023, સિરીઝ અજ્ઞાત ના ચાલકે તેમની બાઈક આગળ પોતાની ગાડી આડી નાખી દીધી હતી. ગાડીમાંથી ચારેય શખ્સો હાથમાં લાકડાના ધોકા લઈને નીચે ઉતાર્યા હતા અને બાઉન્સર પર આડેધડ હુમલો કરી દીધો હતો. હુમલા દરમિયાન સચિનભારથીએ બચવાનો પ્રયાસ કરતા ડાબા હાથે ધોકાનો ફટકો વાગતા તેઓ નીચે પડી ગયા હતા. ત્યારબાદ ચારેય શખ્સોએ તેમને ગડદાપાટુનો માર માર્યો હતો. બાઉન્સરે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેથી હુમલાખોરો "જો હવે પછી કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાનું કહીશ તો તને જાનથી મારી નાખીશું" તેવી ધમકી આપી પોતાની ગાડી લઈને નાસી છૂટ્યા હતા. ઘટના બાદ ઈજાગ્રસ્ત બાઉન્સરે પોતાના પરિચિત ફારુકભાઈને ફોન કરીને બોલાવતા, તેમણે એમ્બ્યુલન્સ મારફતે સચિનભારથીને સારવાર અર્થે શંકુઝ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હોસ્પિટલના તબીબોના નિદાન અનુસાર હુમલાને કારણે બાઉન્સરના ડાબા હાથમાં ફ્રેક્ચર થયું છે અને હાલ તેઓ હોસ્પિટલમાં અંદરના દર્દી તરીકે સારવાર હેઠળ છે. લાંઘણજ પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા ચારેય અજાણ્યા શખ્સોની શોધખોળ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →