અભયમે પૌત્રને માતાથી અલગ રાખવાની જિદ્દ છોડાવી:મહેસાણામાં પ્રેમલગ્ન કરનાર મહિલાને પિયર જતી રોકતા સસરાને 181ની ટીમે પાઠ ભણાવ્યો
સોશિયલ મીડિયાના માધ્યમથી પરપ્રાંતીય યુવકના પ્રેમમાં પડીને તેની સાથે લગ્ન કરનાર મહેસાણાની એક મહિલા માટે તેના સસરા મુશ્કેલીનું કારણ બન્યા હતા. પિયર જવા બાબતે પરિણીતાને સતત માનસિક હેરાનગતિ કરતા સસરા વિરુદ્ધ અંતે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ લેવામાં આવી હતી. અભયમની ટીમે સ્થળ પર પહોંચીને કરેલા સચોટ કાઉન્સિલિંગના અંતે સસરાએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને પુત્રવધૂને પિયર જવાની તેમજ બાળકોને સાથે રાખવાની સંમતિ આપતાં મામલો થાળે પડ્યો હતો. સસરા પૌત્રને માતાથી અલગ રાખવા દબાણ કરતા હતા
મળતી વિગતો અનુસાર, મહેસાણા પંથકની આ મહિલા અગાઉ સામાજિક રીતે પરણેલી હતી અને સુખી ગૃહસ્થ જીવન જીવતી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેને અન્ય જિલ્લાના એક પરપ્રાંતીય યુવક સાથે સંપર્ક થયો હતો, જે બાદમાં પ્રેમમાં પરિણમ્યો હતો. પ્રેમમાં ગળાડૂબ બનેલી મહિલાએ પોતાના પ્રથમ પતિ સાથે છેડો ફાડીને તે યુવક સાથે બીજા લગ્ન કરી લીધા હતા. આ બીજા લગ્નથી મહિલાને 2 સંતાનો પણ થયા હતા. બીજા લગ્ન બાદ મહિલાના સસરાને પોતાના પૌત્ર પ્રત્યે વિશેષ લગાવ હતો, પરંતુ તેઓ પુત્રવધૂને સતત હેરાન કરતા હતા. મહિલા જ્યારે પણ પોતાના પિયર જવાની વાત કરતી, ત્યારે સસરા શરત મૂકતા કે તેણે એક બાળકને સાસરીમાં જ મૂકીને જવું પડશે. પૌત્રને માતાથી અલગ રાખવાના સસરાના આ અમાનવીય વલણ અને પિયર જતી વખતે વારંવાર ઊભી કરાતી અડચણોને કારણે મહિલા ભારે માનસિક તણાવમાં જીવતી હતી. પિયર જઈને હોબાળો મચાવતા મહિલાએ અભયમની મદદ લીધી
તાજેતરમાં સસરાએ મહિલાના પિયર સુધી જઈને મોટો હોબાળો મચાવતા મામલો વધુ બિચક્યો હતો. સસરાના આ રોજ-રોજના માનસિક ત્રાસથી કંટાળીને આખરે પરિણીતાએ 181 અભયમ હેલ્પલાઇન પર ફોન કરી મદદની ગુહાર લગાવી હતી. બાતમી મળતાં જ અભયમની ટીમ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને બંને પક્ષોની રજૂઆતો સાંભળી હતી. અભયમના કાઉન્સિલરે સસરાને કાયદાકીય અને સામાજિક સમજ આપતાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, કોઈ પણ પરિણીતાને તેના પિયર જતાં રોકવી કે તેને પોતાના નાના બાળકોથી બળજબરીપૂર્વક અલગ કરવી એ કાયદાકીય ગુનો બને છે. ટીમે કરેલી લાંબી સમજાવટ અને કાયદાના ડરના કારણે આખરે સસરાને પોતાની ભૂલ સમજાઈ હતી. તેમણે પુત્રવધૂની માફી માગીને તેને પિયર આવવા-જવા માટે તેમજ બાળકોને સાથે રાખવા માટે લેખિત સંમતિ આપતા વિવાદનો સુખદ અંત આવ્યો હતો.
Read Original Article →