ખેરાલુમાં ટ્રસ્ટનું બેંક એકાઉન્ટ ભાડે આપી 87 લાખનું સાયબર ફ્રોડ:ડીજીપીસીઆરનું મ્યુલ એકાઉન્ટ સામે મહેસાણા અને ખેરાલુમાં ઓપરેશન, ત્રણ શખ્સો સામે તપાસનો ધમધમાટ

Gujarat6/2/2026, 2:20:28 PM
ખેરાલુમાં ટ્રસ્ટનું બેંક એકાઉન્ટ ભાડે આપી 87 લાખનું સાયબર ફ્રોડ:ડીજીપીસીઆરનું મ્યુલ એકાઉન્ટ સામે મહેસાણા અને ખેરાલુમાં ઓપરેશન, ત્રણ શખ્સો સામે તપાસનો ધમધમાટ
મહેસાણા જિલ્લાના ખેરાલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચકચારી સાયબર કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. સામાજિક ટ્રસ્ટના નામે ખોલાવેલા બેંક ખાતાને માત્ર 10 ટકા કમિશનની લાલચમાં સાયબર ગુનેગારોને ભાડે આપીને તેમાં કરોડો રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્જેક્શન કરાવવાનું મોટું રેકેટ પકડાયું છે. ગુજરાત રાજ્યના ડીજીપીસીઆર (DGPCR) સમન્વય પોર્ટલ પરથી મળેલા 'મ્યુલ એકાઉન્ટ' ના ઇનપુટ્સના આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન મહેસાણા અને ખેરાલુ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આ ગુનાહિત પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. ખેરાલુ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. દિવ્યેશકુમારે આ મામલે ત્રણ શખ્સો વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે. 10 ટકા કમિશનની લાલચમાં ગાંધીનગરમાં થઈ હતી ડીલ આ ગુનાહિત કાવતરાની વિગત એવી છે કે ખેરાલુ તાલુકાના મિયાસણા ગામે રહેતા પરમાર સૂર્યકાન્તભાઈ દશરથભાઈ વર્ષ 2019માં 'આદર્શ ગ્રામ વિકાસ ટ્રસ્ટ ડાલીસણા' નામના મંડળના પ્રમુખ બન્યા હતા. તેમણે સામાજિક હેતુ માટે બેંક ઓફ બરોડા, ખેરાલુ શાખામાં ટ્રસ્ટનું એકાઉન્ટ ખોલાવ્યું હતું. વર્ષ 2025ના જૂન મહિનામાં તેમણે આ ખાતામાં પોતાનો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ કરાવ્યો અને ખાતું ભાડે આપવા માણસ શોધતા હતા. તે દરમિયાન હિંમતનગરના વિજય મનહરભાઈ જાદવ નામના શખ્સે તેમનો સંપર્ક કર્યો હતો. વિજય જાદવે સૂર્યકાન્તભાઈને મોટી રકમની લાલચ આપી ગાંધીનગર સેક્ટર-28 ના બગીચા પાસે રૂબરૂ મુલાકાત માટે બોલાવ્યા હતા. ત્યાં વિજય અને રાજસ્થાનના ચિત્તોડગઢના સંદીપ સેવક નામના શખ્સે ટ્રસ્ટનું બેંક એકાઉન્ટ વાપરવા આપવાના બદલામાં જમા થનારી રકમના 10 ટકા કમિશન આપવાની ડીલ કરી હતી. આ લાલચમાં આવીને પ્રમુખ સૂર્યકાન્તભાઈએ પોતાના મોબાઈલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને બેંક ખાતાના તમામ ડિજિટલ એક્સેસ આ બંને ઠગોને સોંપી દીધા હતા. એટલું જ નહીં, આ ત્રણેય આરોપીઓ જુલાઈ 2025માં અમદાવાદ એરપોર્ટથી ટિકિટ બુક કરાવી ગોવા પણ ગયા હતા અને ત્યાં અન્ય એક અજાણ્યા શખ્સને મળીને એકાઉન્ટની વિગતો શેર કરી હતી. માત્ર 4 દિવસમાં દેશભરમાંથી ₹87 લાખથી વધુની છેતરપિંડી બેંક ખાતાનો કબજો મેળવ્યા બાદ સાયબર ઠગોએ માત્ર 4 દિવસના ટૂંકા ગાળામાં (તારીખ 7 ઓક્ટોબર 2025 થી 10 ઓક્ટોબર 2025 દરમિયાન) આ ખાતાનો દુરુપયોગ કર્યો હતો. તેમણે દેશના અલગ-અલગ રાજ્યોમાંથી સાયબર ફ્રોડનો ભોગ બનેલા નિર્દોષ લોકોના કુલ ₹87,86,995 આ ખાતામાં જમા કરાવ્યા હતા. જેમાંથી ₹83,33,697.50 જેટલી માતબર રકમ આરટીજીએસ (RTGS) અને અન્ય ઓનલાઈન માધ્યમોથી બારોબાર ટ્રાન્સફર કરી સગેવગે કરી લીધી હતી. દેશભરમાં 29 ફરિયાદો નોંધાતા ખાતું 'મ્યુલ એકાઉન્ટ' તરીકે ફ્લેગ થયું આ બેંક ખાતાનો ઉપયોગ કરીને આચરવામાં આવેલા ફ્રોડ અંગે સમગ્ર ભારતમાં અલગ-અલગ સાયબર સેલમાં કુલ 29 જેટલી ફરિયાદો નોંધાઈ હતી. આ કારણે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર આ એકાઉન્ટ શંકાસ્પદ 'મ્યુલ એકાઉન્ટ' (ગુનાહિત નાણાંની હેરફેર માટે વપરાતું ખાતું) તરીકે ફ્લેગ થઈ ગયું હતું, જેના આધારે ગુજરાત પોલીસ એક્શનમાં આવી હતી. કમિશન આપવાના બદલે ઠગો ફોન બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા ખાતામાં લાખો રૂપિયાના ટ્રાન્જેક્શન થઈ ગયા બાદ ટ્રસ્ટના પ્રમુખ સૂર્યકાન્તભાઈએ પોતાનું નક્કી થયેલું 10 ટકા કમિશન મેળવવા માટે વિજય જાદવ અને સંદીપ સેવકનો વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બંને ઠગો પોતાના મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. છેતરાયાનો અહેસાસ થતાં અને પોલીસ કચેરીએથી તપાસ આવતા પ્રમુખે ગુનાની તમામ હકીકત કબૂલી લીધી હતી. ખેરાલુ પોલીસે આ મામલે નીચે મુજબના ત્રણ આરોપીઓ વિરૂદ્ધ ગુનાહિત કાવતરું રચી, છેતરપિંડી આચરી સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા બદલ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
Read Original Article →