SMCએ રેડ પાડી દારુ ભરેલી આઇસર ટ્રક ઝડપી પાડી:મહેસાણા નજીકથી પશુ આહારની આડમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો, રૂા. 1.26 કરોડનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદ-પાલનપુર હાઈવે પર મેવડ ગામની સીમમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂ ભરેલી આઈશર ટ્રક ઝડપી પાડી છે. પંજાબથી ગેરકાયદેસર રીતે ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલો આશરે 1.10 કરોડ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પકડી પાડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસ.એમ.સી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી. કે. રાઠોડ અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મેવડ ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક આઈશર ટ્રકને અટકાવીને તેની તલાશી લેવામાં આવતા તેમાંથી પશુ આહારની આડમાં છૂપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે 1.26 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
આ દરોડા દરમિયાન પોલીસે ટ્રકમાંથી રોયલ સ્ટેગ વ્હિસ્કી, રોયલ ચેલેન્જ વ્હિસ્કી, ટ્યુબોર્ગ અને કિંગફિશર સ્ટ્રોંગ બિયર સહિત અલગ-અલગ બ્રાન્ડની કુલ 22,773 બોટલો જપ્ત કરી છે, જેની બજાર કિંમત રૂ 1,10,78,149 જેટલી થાય છે. આ ઉપરાંત રૂા. 15 લાખની કિંમતની આઈશર ટ્રક, બે નંગ મોબાઈલ ફોન, દારૂ છૂપાવવા માટે વપરાયેલી પશુ આહારની 175 ગુણો અને રોકડા રૂ 4,490 મળીને કુલ રૂ1,26,01,389 નો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂનો જથ્થો મંગાવનાર સહિત ત્રણ શખ્સો વોન્ટેડ જાહેર
પોલીસે ઘટનાસ્થળેથી ટ્રકના ડ્રાઈવર ઘમંડા રામ ચેતન રામ જાટ (રહે. પોકર ભાદુ કી ધાણી, નૌખ, જી. બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી તેને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આ ગુનામાં દારૂનો જથ્થો સપ્લાય કરનાર કિશન (રાજસ્થાન), આઈશર ટ્રકનો માલિક અને રાજકોટ ખાતે દારૂનો આ જથ્થો મંગાવનાર અજાણ્યા રિસીવર સહિત ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 336 અને 339 હેઠળ ગુનો નોંધીને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →