મહેસાણા ફૂડ વિભાગની અનોખી પહેલ:બાયોડીઝલ બનાવવા અખાદ્ય તેલનો જથ્થો સુરેન્દ્રનગરની કંપનીને આપ્યો, સરકારને 45 હજારની આવક

Gujarat5/19/2026, 3:32:07 PM
મહેસાણા ફૂડ વિભાગની અનોખી પહેલ:બાયોડીઝલ બનાવવા અખાદ્ય તેલનો જથ્થો સુરેન્દ્રનગરની કંપનીને આપ્યો, સરકારને 45 હજારની આવક
મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પર્યાવરણની રક્ષા અને સરકારી સંસાધનોના સદુપયોગને પ્રોત્સાહન આપતી એક પ્રશંસનીય અને અનોખી કામગીરી સામે આવી છે. ફૂડ વિભાગની કચેરી દ્વારા અગાઉ જપ્ત કરવામાં આવેલો અખાદ્ય તેલનો મોટો જથ્થો લાંબા સમયથી ગોડાઉનમાં પડ્યો રહ્યો હતો. સામાન્ય રીતે આવા અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવતો હોય છે, પરંતુ મહેસાણા ફૂડ વિભાગે પરંપરાગત પદ્ધતિથી હટીને એક નવીન વિચાર સાથે આ વેસ્ટને ઊર્જામાં રૂપાંતરિત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. અખાદ્ય જથ્થામાંથી બાયોડીઝલ બનાવી 45 હજારની આવક વિભાગ દ્વારા આ અખાદ્ય તેલને ફેંકી દેવા કે તેનો નાશ કરવાના બદલે પુનઃ પ્રાપ્ય ઊર્જામાં રૂપાંતરિત કરવા માટે સુરેન્દ્રનગરની બાયોડીઝલ બનાવતી કંપની 'સનસાઈન ઈન્ડસ્ટ્રીઝ'નો સંપર્ક કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગે કુલ 1801 કિલોગ્રામ અખાદ્ય ઓઈલનો આ જથ્થો બાયોડીઝલ બનાવવા માટે આ કંપનીને વેચ્યો છે. આ અનોખા સોદા થકી સરકારને રૂ 45,050 ની આવક પણ થઈ છે, જે સરકારી તિજોરીમાં જમા કરાવી દેવામાં આવી છે. અન્ય સરકારી કચેરીઓ માટે પ્રેરણાદાયી ઉદાહરણ "વેસ્ટમાંથી બેસ્ટ"ના આ અભિગમ પાછળ વિભાગનો મુખ્ય હેતુ પર્યાવરણનું રક્ષણ કરવાનો અને કટોકટીના સમયે આવા અખાદ્ય જથ્થાને બાયોડીઝલમાં રૂપાંતરિત કરી ઇંધણ તરીકે ઉપયોગમાં લેવાનો છે. સામાન્ય રીતે તેલના નાશથી થતા પ્રદૂષણને અટકાવીને તેને ઊર્જાના સ્ત્રોતમાં બદલવાની મહેસાણા ફૂડ વિભાગની આ કામગીરી અન્ય સરકારી કચેરીઓ માટે પણ એક ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી ઉદાહરણ સાબિત થઈ છે.
Read Original Article →