મહેસાણામાં ફૂડ વિભાગનું 'ઓપરેશન સમર':430 કિલો વાસી કેરીનો રસ અને અખાદ્ય આઈસ્ક્રીમનો નાશ કર્યો

Gujarat5/12/2026, 10:26:17 AM
મહેસાણામાં ફૂડ વિભાગનું 'ઓપરેશન સમર':430 કિલો વાસી કેરીનો રસ અને અખાદ્ય આઈસ્ક્રીમનો નાશ કર્યો
ઉનાળાની આકરી ગરમીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્રે લાલ આંખ કરી છે. ફૂડ ઓફિસર વિપુલ ચૌધરીની આગેવાનીમાં તંત્ર દ્વારા 'ઓપરેશન સમર' હાથ ધરીને શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન અખાદ્ય કેરીનો રસ, આઈસ્ક્રીમ અને એક્સપાયરી ડેટવાળા પદાર્થો મળી આવતા તંત્રએ કડક કાર્યવાહી કરી છે. મહેસાણા શહેર અને વિસનગરમાં 12 એકમો પર દરોડા તંત્ર દ્વારા રચવામાં આવેલી ત્રણ અલગ-અલગ ટીમોએ મહેસાણા શહેર અને વિસનગરના અંદાજે 12 જેટલા એકમો પર દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન દેદિયાસણ GIDCમાં આવેલી ચામુંડા ડેરીમાંથી 430 કિલો વાસ મારતો અને અત્યંત ખરાબ હાલતમાં રહેલો કેરીનો રસ મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મોઢેરા રોડ પર આવેલી જય ચામુંડા ડેરી પાર્લરમાંથી 36 લિટર જેટલો અખાદ્ય આઈસ્ક્રીમ જપ્ત કરી તેનો નિકાલ કરાયો હતો. આ પાર્લરમાં 'સ્વેતુલ' બ્રાન્ડના નામે વેચાતા માવા-મલાઈ અને રોઝ આઈસ્ક્રીમમાં વપરાતા ઇન્ગ્રેડિયન્ટ્સ એક્સપાયરી ડેટવાળા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું. કેસર મઠો, મેંગો મિલ્ક શેકના સેમ્પલ લેવામાં આવ્યા ફૂડ વિભાગે માત્ર નાશ કરવાની જ નહીં, પરંતુ શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂના લેવાની પ્રક્રિયા પણ તેજ કરી છે. તપાસ દરમિયાન પાવન અશોકભાઈ પટેલના એકમમાંથી માવા-મલાઈ આઈસ્ક્રીમ, શ્રી મધુર ડેરી પાર્લરમાંથી અમેરિકન નટ્સ મઠો અને અન્ય સ્થળોએથી કેસર મઠો, મેંગો મિલ્ક શેક તેમજ કેરીના રસના સેમ્પલ લેવામાં આવ્યા હતા. પાટીદાર રસ સેન્ટર, રોયલ મિલ્ક પેલેસ અને ઉમિયા રસ કોર્નર સહિતના એકમોમાં પણ તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો. રિપોર્ટ બાદ વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેવામાં આવેલા તમામ નમૂનાઓને પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ રિપોર્ટ આવ્યા બાદ સંબંધિત વેપારીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉનાળાની સીઝનમાં ઠંડા પીણાં અને ડેરી પ્રોડક્ટ્સના નામે લોકોના આરોગ્ય સાથે થતી આવી બેદરકારી સામે ફૂડ વિભાગની આ કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ડેરીઓમાં તપાસ કરવામાં આવી (1) જય ચામુંડા ડેરી પાર્લર (2) ચામુંડા ડેરી (3) શ્રી મધુર ડેરી પાર્લર (4) પટેલ ડેરી પ્રોડક્શન (5) કૃષ્ણા ડેરી પ્રોડક્શન (6) પાટીદાર રસ સેન્ટર (7) રોયલ મિલ્ક પેલેસ (8) સહયોગ ડેરી પાર્લર એન્ડ પ્રોડક્ટ્સ (9) વિસ્ત ડેરી પ્રોડક્શન (10) ઉમિયા રસ કોર્નર (11) સ્વેતુલ ડેરી
Read Original Article →