સીમાંકન પર વિરોધ ને ચૂંટણી બહિષ્કારના બેનર:સૂચિત રિંગ રોડ અને ટીપી સ્કીમથી જમીન ગૂમાવવાનો ખેડૂતોને ડર, ઉચરપી ગામ બાદ હવે તાવડીયામાં લાગ્યા બેનરો
મહેસાણા મનપાની રચના બાદ સીમાંકન અને વિકાસના નક્શાઓને લઈ વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. ઉચરપી ગામ બાદ હવે પૂર્વ વિસ્તારમાં આવેલા તાવડીયાના ગ્રામજનોએ પણ મનપાની આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાના ગામમાં બેનર લગાવ્યા છે. આ બેનરમાં લખવામાં આવ્યું છે કે, કોઈ પણ રાજકીય પક્ષને પ્રચાર માટે પ્રવેશ ન કરવા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવે છે. આ વિરોધનું મુખ્ય કારણ નવા સૂચિત રિંગ રોડ, ઈન્ડસ્ટ્રીયલ ઝોન અને ટીપી સ્કીમ હેઠળ ખેડૂતોની મહામૂલી જમીન ગુમાવવાનો ભય છે. તાવડીયા ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે, મહેસાણાના વિકાસ માટે તૈયાર કરાયેલા પ્લાનમાં અધિકારીઓએ ઓફિસમાં બેઠા-બેઠા અણઘડ આયોજન કર્યું છે. ગામની આસપાસ 80 મીટર, 30 મીટર અને 24 મીટર જેવા અનેક નાના-મોટા રસ્તાઓ દર્શાવવામાં આવ્યા છે, જેના કારણે 200થી વધુ પરિવારોની ખેતીલાયક જમીન અને રહેણાંકના પ્રશ્નો ઉભા થયા છે. ખેડૂતોનું કહેવું છે કે તેમની પાસે બેથી પાંચ વીઘા જેવી મર્યાદિત જમીન છે, જેમાં ટીપી સ્કીમ હેઠળ 40 ટકા કપાત થતા તેમની પાસે પશુપાલન અને ખેતી માટે કંઈ જ બાકી રહેશે નહીં. ખાસ કરીને 80 મીટરના રિંગ રોડને કારણે અનેક ખેડૂતોના પાણીના બોર અને પિયતની લાઈનો નાશ પામશે, જેની સીધી અસર ગામના લાખો લિટર દૂધના ઉત્પાદન પર પડશે. ગામના સ્થાનિક ફલજીભાઈએ જણાાવ્યું હતું કે ગામની નજીકમાં બિલકૂલ બાયપાસ જોઈએ નહીં. અમારા ગામની જમીન જાય એમ છે અને ખેતીનો વ્યવસાય પડી ભાંગે એમ છે. કોઈ પાર્ટીને ગામમાં આવવા દેવાના નથી. એટલે અમારે ચૂંટણીનો પૂરો બહિષ્કાર છે. ખેડૂત અગ્રણી સંગ્રામભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ સરકારને વિનંતી કરતા જણાવ્યું છે કે, આ આડેધડ રસ્તાઓના આયોજનથી ખેડૂતોની મહામૂલી જમીન, પિયતના બોર અને પાઈપલાઈન નષ્ટ થશે. જેના કારણે ગામનું લાખો લિટર દૂધ ઉત્પાદન ઠપ્પ થઈ જશે અને સેંકડો પરિવારો બેરોજગાર બની જશે. 40 ટકા કપાતના કાયદા સામે વાંધો ઉઠાવતા ખેડૂતોએ માંગ કરી છે કે 80 મીટરના રિંગરોડને શામળાજી-રામપુરા ચોકડીથી ફતેપુરા તરફ ડાયવર્ટ કરવામાં આવે જેથી ખેતી બચાવી શકાય. જો અધિકારીઓ દ્વારા ઓફિસમાં બેઠા તૈયાર કરાયેલા આ 'અણઘડ' પ્લાનમાં સુધારો કરી ખેડૂતોને ન્યાય આપવામાં નહીં આવે, તો નવા જોડાયેલા 25 ગામોને સાથે રાખીને આગામી સ્થાનિક ચૂંટણીઓ, 2027ની વિધાનસભા અને 2029ની લોકસભા ચૂંટણીના બહિષ્કાર સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વિજયભાઈ જણાવ્યું હતું કે જમીનો અમારી પાસે બહુ ઓછઈ છે. મુખ્યવ્યવાસ પશુપાલન અને ખેતી છે. જીવાદોરી સમાન છે. રોડ નજીક આવે તો ઘર ક્યાં બનાવવા અને ખેતી માટે ક્યાં જવું. તો દૂર લઈ જઈ તો નગરપાલિકાનું અને ગામનું સચવાય જાય. અમારો ખોટો વિરોધ નથી. કાયદેસર ભારતના નાગરિક તરીકે રજૂઆત કરીએ શકીએ. ચાર કે પાંચ રોડ આવે છે. ટીપી સ્કીમ અને ભારતમાલાનો રોડ ગામની બાજુ આવે છે. એટેલ નુકસાન થાય છે જંત્રી ઓછી હોવાના કારણે વળતર કાંઈ ખાસ મળે એમ નથી.
Read Original Article →