યુવકની પત્નીને ભગાડી જનાર દીકરાના પરિવાર પર હુમલો:'તારો દીકરો અમારી વહુને ભગાડી ગયો છે, એટલે તને ગામમાં રહેવા દેવાનો નથી', 4 સામે ગુનો નોંધાયો

Gujarat5/20/2026, 2:00:48 PM
યુવકની પત્નીને ભગાડી જનાર દીકરાના પરિવાર પર હુમલો:'તારો દીકરો અમારી વહુને ભગાડી ગયો છે, એટલે તને ગામમાં રહેવા દેવાનો નથી', 4 સામે ગુનો નોંધાયો
મહેસાણામાં દીકરો અન્ય યુવકની પત્નીને ભગાડી ગયો હોવાની અદાવત રાખીને ચાર શખ્સોએ એક પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ભોગ બનનાર આધેડે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. દીકરો યુવતી ભગાડી ગયાની અદાવતમાં હુમલો પોલીસ ફરિયાદ અનુસાર, ચિત્રોડીપુરામાં રહેતા ગોવિંદજી ઠાકોરનો દીકરો મેહુલજી તેમના જ મહોલ્લામાં રહેતા ઠાકોર અરજણજીની પત્નીને ભગાડી ગયો હતો. આ બાબતની અદાવતમાં 19 મેના રોજ રાત્રે આશરે સાડા નવેક વાગ્યાના સુમારે ઠાકોર અરજણજી, ઠાકોર વિશાલ, ઠાકોર અભેસંગ અને ઠાકોર સુરેશજી નામના ચાર શખ્સો હથિયારો સાથે ગોવિંદજીના ઘરે ધસી આવ્યા હતા. આ શખ્સોએ 'તારો દીકરો અમારી વહુને ભગાડી ગયો છે, એટલે તને ગામમાં રહેવા દેવાનો નથી' તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. પિતાને બચાવતા દીકરીને માર માર્યો ગોવિંદજીએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા ઠાકોર વિશાલજીએ લોખંડની પાઇપ ગોવિંદજીના માથામાં મારી દીધો હતો, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. પિતાને બચાવવા માટે તેમની દીકરીઓ નેહા, આનંદીબેન અને દીકરો ઝાલમજી વચ્ચે પડ્યા હતા. જો કે, ચારેય હુમલાખોરોએ આ ત્રણેય સંતાનોને પણ પકડીને ગડદાપાટુનો નિર્મમ માર માર્યો હતો. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી આ દરમિયાન પરિવારની બૂમાબૂમ સાંભળીને ગોવિંદજીના મોટા ભાઈ ભૂપતસંગ અને ભત્રીજો સંદીપસિંહ દોડી આવ્યા હતા અને તેમણે વચ્ચે પડીને પરિવારને વધુ માર ખાતા બચાવ્યો હતો. હુમલો કર્યા બાદ ચારેય આરોપીઓ 'આજે તો બચી ગયો છે, પણ જો હાથમાં આવ્યો તો જીવતો નહીં છોડીએ' તેવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને નાસી છૂટ્યા હતા. ઘટના બાદ ઇજાગ્રસ્ત ગોવિંદજીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને પુરુષ સર્જીકલ વોર્ડમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. મહેસાણા તાલુકા પોલીસે સિવિલ હોસ્પિટલની વર્ધીના આધારે ગુનો નોંધીને ચારેય હુમલાખોરો સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →