મહેસાણાના પાંચોટ રોડ પર મોડી રાત્રિના અકસ્માત:ડમ્પરે ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારી, ચાલક ફરાર

Gujarat6/3/2026, 2:53:16 PM
મહેસાણાના પાંચોટ રોડ પર મોડી રાત્રિના અકસ્માત:ડમ્પરે ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારી, ચાલક ફરાર
મહેસાણા તાલુકા પોલીસ મથકે નોંધાયેલી એક ફરિયાદ અનુસાર પાંચોટ-મહેસાણા રોડ પર જી.ઈ.બી. ઓફિસની સામે ગત મોડી રાત્રે એક પુરઝડપે ધસી આવેલા ડમ્પરે રોડની સાઈડમાં કામ કરી રહેલા ટ્રેક્ટરને પાછળથી જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી, પરંતુ ટ્રેક્ટરને મોટું નુકસાન પહોંચ્યું છે. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક વાહન સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. ડમ્પરે પાછળથી ટ્રેક્ટરને ટક્કર મારી હતી આ બનાવ અંગે મૂળ રાજસ્થાનના નાગૌર જિલ્લાના વતની અને હાલ મહેસાણા નજીક હેડુવા ખાતે વાગડ કંપનીમાં ડ્રાઈવિંગનું કામ કરતા 25 વર્ષીય યુવાન મુલરામ નિમ્બારામ જાટે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ ગત તારીખ 2 જૂન 2026 ના રોજ રાત્રે આશરે સાડા બારેક વાગ્યાના અરસામાં પાંચોટ રોડ પર જી.ઈ.બી.ની સામે પોતાની કંપનીનું કામ કરી રહ્યા હતા. તેઓ અને અન્ય મજૂરો પોતાના ટ્રેક્ટરની ટ્રોલીમાં રોડ ડિવાઇડરના પથ્થરો ભરવાની કામગીરીમાં વ્યસ્ત હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક ડમ્પર નંબર જી.જે.01 એલ.ટી. 9945 ના ચાલકે રોડ પર ઊભેલા ટ્રેક્ટર નંબર આર.જે. 21 આર.એન. 1468 ને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. પોલીસે ફરાર ડમ્પર ચાલક ગુનો દાખલ કર્યો આ ટક્કરના કારણે ટ્રેક્ટરનું આગળનું ડાબી બાજુનું ટાયર ફાટી ગયું હતું, તેમજ સાયલેન્સર અને મડગાર્ડને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલકે ડમ્પરના ચાલક સાથે નુકસાની અંગે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડમ્પર ચાલકે નુકસાનીનું વળતર આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને ત્યાંથી પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ટ્રેક્ટર ચાલક કે અન્ય કોઈ મજૂરને શારીરિક ઈજાઓ પહોંચી નથી. મહેસાણા તાલુકા પોલીસે આ અંગે ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →