'કોંગ્રેસમાંથી ભાજપ આવ્યો ત્યારે મને 2 કરોડ આપ્યા':'અન્ય ને તો 50 લાખ આપે છે', સીઆરના સમયમાં આવેલા સીજે ચાવડાની ઓડિયો ક્લિપ વાઇરલ

Gujarat5/25/2026, 11:38:39 AM
'કોંગ્રેસમાંથી ભાજપ આવ્યો ત્યારે મને 2 કરોડ આપ્યા':'અન્ય ને તો 50 લાખ આપે છે', સીઆરના સમયમાં આવેલા સીજે ચાવડાની ઓડિયો ક્લિપ વાઇરલ
મહેસાણા જિલ્લો છેલ્લા કેટલાક સમયથી એક બાદ એક ભાજપના નેતાઓની કથિત ઓડિયો ક્લિપ સામે આવી રહી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્યસભા સાંસદ મયંક નાયક વિશે ટીપ્પણીઓની ઓડિયો વાઇરલ થયા બાદ હવે ત્રીજી ઓડિયો ક્લિપ સામે આવી છે. હવે જિલ્લા ભાજપના વધુ એક દિગ્ગજ નેતાની સ્ફોટક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં રાજકીય વર્તુળો ભારે ચકચાર મચી ગઈ છે. આ વાયરલ ઓડિયો ક્લિપ વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ માનવામાં આવી રહ્યું છે. આ ક્લિપમાં ચૂંટણીલક્ષી રણનીતિ અને નાણાંની લેવડદેવડ અંગેની અત્યંત ચોંકાવનારી અને સ્ફોટક વાતો સામે આવી છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વાઇરલ થયેલી આ કથિત ઓડિયો ક્લિપમાં ચૂંટણી દરમિયાન મતદારોને રીઝવવા માટે પૈસાની વહેંચણી કરવામાં આવી હોવાનો ખુલ્લો સ્વીકાર કરવામાં આવ્યો છે. ક્લિપમાં સ્પીકર એવું કહેતા સંભળાય છે કે, મતદાન માટે પૈસા આપીને આપણે મતો મેળવી લીધા છે. આ ઉપરાંત, પક્ષ પલટા અને ટિકિટના ગણિત અંગે મોટો ખુલાસો કરતા ભાષણમાં જણાવાયું છે કે, 'હું જ્યારે કોંગ્રેસમાંથી આવ્યો અને વિધાનસભાની ચૂંટણી લડ્યો, ત્યારે મને બે કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.' ભાજપમાં અન્ય નેતાઓને મળતા ચૂંટણી ફંડ અંગે કટાક્ષ કરતા ક્લિપમાં ઉમેરાયું છે કે, તેઓ કોંગ્રેસમાંથી આવ્યા હોવાના કારણે તેમને બે કરોડ રૂપિયા મળ્યા હતા, બાકી અન્ય કોઈને પચાસ લાખ રૂપિયાથી ઉપર એક પણ પૈસો આપવામાં આવતો નથી. આ ઓડિયો ક્લિપમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગેની વ્યૂહરચનાનો પણ ઉલ્લેખ છે, જેમાં તાલુકા પંચાયત સ્તરે સર્વે કરાવીને પચાસ-પચાસ હજાર રૂપિયા આપવાની વાત કરવામાં આવી છે. તેમજ જે ઉમેદવાર સાવ ગરીબ હોય, તેને ચૂંટણી લડવા માટે પચાસ હજાર રૂપિયાની સહાય આપવાની ચર્ચા પણ સંભળાઈ રહી છે. રાજકીય વિશ્લેષકોના અનુમાન મુજબ, આ ઓડિયો ક્લિપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયની હોઈ શકે છે. મહેસાણા ભાજપમાં એકપછી એક આવી ઓડિયો ક્લિપો વાયરલ થવાના કારણે પક્ષની આંતરિક જૂથબંધી અને ચૂંટણી પ્રક્રિયામાં નાણાંના પ્રભાવને લઈને વિપક્ષને બેઠા બેઠા મોટો મુદ્દો મળી ગયો છે, જ્યારે સામાન્ય જનતામાં પણ આ બાબતે તીવ્ર ચર્ચાઓ જાગી છે. જોકે આ બાબતે વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડા ને ઓડિયો ક્લિપ બાબતે પૂછવા ભાસ્કરે સંપર્ક કરતા તેઓએ બે થી ત્રણ વાર ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.જેથી સંપર્ક થઈ શક્યો નહોતો. આ બાબતે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી એ ભાજપની નીતિ અંગે ટીકા કરતા કહ્યું કે, ગુજરાતમાં લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનો જનાધાર સીધી રીતે ઘટી જતા લોકતંત્રની હત્યા કરી ખરીદનો એક વેચાણ સંઘ શરૂ કર્યો છે. જેમાં કોંગ્રેસ પક્ષના અને અન્ય પક્ષના લોકોને યેનકેન પ્રકારે તોડવા માટે ધનબળ, બાહુબળ, જુદા જુદા કેસો અને વિવિધ લોભ લાલચો આપવામાં આવી જેના અનેક ઉદાહરણો આપણી સામે છે ત્યારે જે રીતનો આ ઓડિયોસામે આવ્યો છે એ ઓડિયો વિશે તંત્ર જ કહી શકે પણ એટલું નિશ્ચિત છે કે અમે પેહલા થી જ કહેતા હતા. ભાજપની અંદર કરોડો રૂપિયાના કાળા નાણાંના કારણે બહુ મોટા પાયે ખરીદ કેન્દ્રો ચાલુ કર્યા છે અને આ ખરીદ કેન્દ્રોમાં દર વખતે કોંગ્રેસના ઉમેદવાર હોય કોંગ્રેસના ધારાસભ્યો હોય આગેવાન હોય તેને યેનકેન પ્રકારે દબાણ લાવવામાં આવે અને તેમને લોભ લાલચ આપીને નાણાં ની લાલચ આપવામાં આવે.છે તેવું અમે સ્પષ્ટ પણે કીધું પણ આ ઓડિયો જે રીતે સામે આવ્યો છે અને તે ઓડિયોની ખરાઈ કરવી જોઈએ અને તે હકીકત સ્પષ્ટ છે કે અમે જે કહેતા હતા વારંવાર કે ભારતીય જનતા પાર્ટી કરોડો રૂપિયાના કાળા નાણાં થી ખરીદ વેચાણ સંઘ ચલાવે છે અને લોકતંત્રની હત્યા કરે છે. ગાંધીના ગુજરાત અને લોકતંત્ર માટે પણ ચિંતા નો વિષય છે હવે જ્યારે આ ઓડિયો સામે આવ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની કરની અને કથની સામે આવી ગઈ છે અને આ કથની પછી તેમણે ગુજરાતને સત્ય હકીકત જણાવવી જોઈએ.
Read Original Article →