મહેસાણા-બેચરાજીમાં પેસેન્જર ટ્રેન શરૂ કરવા કોંગ્રેસના ધરણાં:માલગાડીઓ રોકવાની ચીમકી બાદ નેતાઓની અટકાયત, ધારાસભ્યએ બે મહિનામાં ટ્રેન શરૂ થવાની ખાતરી આપી
યાત્રાધામ બેચરાજીમાં છેલ્લા 9 વર્ષથી બંધ પડેલી પેસેન્જર ટ્રેન સેવા ફરી શરૂ કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર અને સ્થાનિક કોંગ્રેસ આગેવાન દિનેશ ગઢવીની આગેવાનીમાં યોજાયેલા આ ધરણાં પ્રદર્શન દરમિયાન પોલીસે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી. વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે રેલવે તંત્ર દ્વારા સામાન્ય જનતાને બદલે માત્ર ઉદ્યોગોને જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. પેસેન્જર ટ્રેન શરૂ ન થાય તો ગુડ્ઝ ટ્રેન રોકવાની ચીમકી
નવા રેલવે ટ્રેક પર છેલ્લા ત્રણ વર્ષથી મારુતિ સુઝુકી સહિતની કંપનીઓની માલગાડીઓ દોડી રહી છે, પરંતુ સામાન્ય જનતા, વેપારીઓ અને શ્રદ્ધાળુઓ માટે પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં આવી નથી. કોંગ્રેસે રેલવેના ખાનગીકરણનો આક્ષેપ કરીને ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં નહીં આવે તો તેઓ મારુતિ કંપનીની માલગાડીઓ રોકીને આંદોલન વધુ ઉગ્ર બનાવશે. 2 મહિનામાં પેસેન્જર ટ્રેન શરૂ કરવાની ખાતરી અપાઈ
બીજી તરફ, કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શન અને અલ્ટીમેટમ વચ્ચે બેચરાજીના વર્તમાન ભાજપના ધારાસભ્ય સુખાજી ઠાકોરે સરકાર અને રેલવે વિભાગનો પક્ષ રજૂ કર્યો હતો. ધારાસભ્યએ જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને રાજ્યસભાના સાંસદ સાથે આ બાબતે સકારાત્મક ચર્ચા થઈ ચૂકી છે. માલગાડી અને પેસેન્જર ટ્રેનમાં સુરક્ષાના માપદંડો અલગ-અલગ હોય છે અને મુસાફરોની સલામતી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આથી હાલમાં નવા પાટા પર પેસેન્જર ટ્રેન માટેનું કમ્પ્લીટ ટેસ્ટિંગ, લોડ ટેસ્ટિંગ અને સ્પીડ ટ્રાયલ ચાલી રહ્યું છે. ધારાસભ્ય સુખાજી ઠાકોરે સ્થાનિકોને ખાતરી આપી છે કે તમામ ટેસ્ટિંગ પ્રક્રિયા પૂર્ણ થતાં જ આગામી બે મહિનામાં પેસેન્જર ટ્રેન સેવા પૂર્વવત કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બેચરાજીમાં માતાજીના દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓ અને સ્થાનિક વેપારીઓને છેલ્લા ઘણા વર્ષોથી ટ્રેન સુવિધાના અભાવે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, જેના કારણે સ્થાનિક વેપાર-રોજગાર પર પણ માઠી અસર પડી છે. હવે એક તરફ કોંગ્રેસે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે તો બીજી તરફ સત્તાધારી પક્ષ દ્વારા બે મહિનાની બાંહેધરી આપવામાં આવી છે, ત્યારે સ્થાનિકોની આટલા વર્ષોની પ્રતીક્ષાનો અંત ક્યારે આવે છે તે જોવું રહ્યું.
Read Original Article →