મહેસાણામાં ATM સાફ કરતી ગેંગથી ફફડાટ:દેદીયાસણ ઇન્ડિયન બેન્ક અને મોઢેરા ચોકડીની યુકો બેન્ક ATMમાંથી પૈસા તફડાવ્યા, પ્લેટ લગાવી ખેલ કરતા
મહેસાણાના મોઢેરા રોડ પર બેંકોના ATM સાફ કરવાની ઘટનાઓ વધવા લાગી છે. ઇન્ડિયન બેન્કની દેદીયાસણ શાખાના એટીએમ મશીનમાં છેતરપિંડીની એક નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. બે અજાણ્યા શખ્સોએ એટીએમ મશીનમાં કેશ કાઢવાના સ્લોટ પર લોખંડની પ્લેટ લગાવી ચોરી કરી હોવાની ફરિયાદ મહેસાણા તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે. બેન્ક મેનેજર સુભાષચંદ્ર બોસ દ્વારા નોંધાવવામાં આવેલી આ ફરિયાદ બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે. આ ઉપરાંત મોઢેરા ચોકડી વિસ્તારમાં આવેલી યુકો બેન્કના એટીએમમાં બે અજાણ્યા શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચી નાણાંની તફડાવવાની ઘટના સામે આવી છે. એટીએમના કેશ ડિસ્પેન્સર જ્યાંથી નાણાં બહાર નીકળે છે તે ભાગ પર કાળા કલરની પ્લાસ્ટિકની પટ્ટી લગાવી ગ્રાહકના નાણાં અટકાવી દઈ, ત્યારબાદ તેની ચોરી કરી નાસી છૂટનારા બે ઈસમો વિરુદ્ધ મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. બેન્ક મેનજરને ગ્રાહકે ફરિયાદ કરતા CCTV તપાસ્યા
ગઈકાલે ઇન્ડિયન બેન્કના મેનેજર જ્યારે ફરજ પર હતા ત્યારે બે ગ્રાહકો, મોહનભાઈ રાવળ અને પ્રતાપભાઈએ આવીને રજૂઆત કરી હતી કે ગત 9 મેના રોજ તેઓએ એટીએમમાંથી નાણાં ઉપાડવા પ્રયાસ કર્યો હતો. ખાતામાંથી રકમ ડેબિટ થઈ ગઈ હોવા છતાં મશીનમાંથી રોકડ બહાર આવી નહોતી. આ ગંભીર ફરિયાદને પગલે બેન્ક મેનેજરે એટીએમ કેબિનના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. કેવી રીતે કેશ વીથ ડ્રો કરી?
આ સીસીટીવી ફૂટેજમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. બે અજાણ્યા ઇસમો એટીએમ કેબિનમાં પ્રવેશે છે અને તેમાંથી એક શખ્સ જ્યાંથી રોકડ બહાર નીકળે છે તે ભાગ પર કાળા રંગની લોખંડની લંબચોરસ પ્લેટ ફસાવી દે છે. જ્યારે કોઈ ગ્રાહક પૈસા ઉપાડવા આવે ત્યારે પ્રોસેસ પૂર્ણ થયા છતાં પ્લેટને કારણે પૈસા બહાર આવી શકતા નથી. ગ્રાહક મશીન ખરાબ હોવાનું સમજીને ત્યાંથી ચાલ્યા જાય છે, ત્યારબાદ આ ટોળકી કેબિનમાં પ્રવેશી પ્લેટ હટાવી અંદર ફસાયેલા નાણાં મેળવી લેતી હોવાનું ફૂટેજમાં જણાઈ આવ્યું હતું. ત્રણ અલગ-અલગ ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હતી
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ગત 8 અને 9 મે દરમિયાન આ શખ્સોએ ત્રણ અલગ-અલગ ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હતી. જેમાં મોહનભાઈના રૂ. 2,000, પ્રતાપભાઈના રૂ. 1,000 અને અન્ય એક અજાણ્યા ગ્રાહકના રૂ. 5,000 મળી કુલ રૂ. 8,000ની ચોરી કરવામાં આવી હતી. આ મામલે મહેસાણા તાલુકા પોલીસે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચી ચોરી કરવા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે એટીએમ ધારકોમાં પણ ફફડાટ ફેલાયો છે. પૈસા કપાયાનો મેસેજ આવ્યો પણ કેશ નીકળી નહીં
જ્યારે મોઢેરા ચોકડી પાસે કાનજી ભવનમાં આવેલી યુકો બેન્કના મેનેજર દીપશીખા મજુમદારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગત 8 મેના રોજ બેન્કના એક ગ્રાહક રવિન્દ્રપુરી ગોસ્વામીએ બેન્કમાં જાણ કરી હતી કે, સવારે સાડા સાત વાગ્યાના સુમારે તેમણે એટીએમમાંથી 5,000 રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. ખાતામાંથી નાણાં કપાયાનો મેસેજ આવ્યો હતો પરંતુ મશીનમાંથી રોકડ બહાર આવી નહોતી. બેન્ક સ્ટાફે તપાસ કરતા મશીનમાં નાણાં પરત જમા થયેલા જણાયા નહોતા. સવારના 7 વાગ્યે ATMમાં ઘુસી કેશ ઉઠાવી લીધી
શંકા જતાં બેન્ક મેનેજરે એટીએમ સેન્ટરના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેમાં જોવા મળ્યું હતું કે સવારે સાત વાગ્યાના સુમારે બે અજાણ્યા શખ્સો એટીએમ કેબિનમાં પ્રવેશ્યા હતા અને મશીનમાં જ્યાંથી કેશ બહાર આવે છે તે સ્લોટ પર કાળા રંગની કોઈ વસ્તુ ચીપકાવી દીધી હતી.ત્યારબાદ જ્યારે ગ્રાહકે નાણાં ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે આ પટ્ટીને કારણે નાણાં બહાર નીકળી શક્યા નહોતા અને ગ્રાહક પરત જતા રહ્યા હતા. ગ્રાહકના ગયા બાદ આ બંને શખ્સોએ ફરી એટીએમમાં આવીને સ્લોટ પર મારેલી પટ્ટી ઉખેડી નાખી હતી અને તેમાં ફસાયેલા 5,000 રૂપિયા કાઢીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે બેન્કના ઉચ્ચ અધિકારીઓને જાણ કર્યા બાદ બેન્ક મેનેજરે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચી, ચોરી કરવા બદલ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →