ATMમાં બ્લોકર લગાવી રુપિયા ચોરી કરતી ગેંગનો પર્દાફાશ:આંતરરાજ્ય ગેંગના બે સાગરીતો ઝડપાયા, ચલણી નોટ બહાર આવવાના બદલે પ્લેટમાં ફસાઈ જતી
મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસે એટીએમમાં ટેકનિકલ છેડછાડ કરી જનતાના રુપિયાની ચોરી કરતી એક ખતરનાક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી રોકડ રકમ, મોબાઈલ અને ચોરી માટે વપરાતી પ્લાસ્ટિકની પ્લેટો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ATMમાં કાળા કલરનું પ્લાસ્ટિકનું બ્લોકર લગાવ્યું
મોઢેરા ચોકડી પાસે યુકો બેંકના એટીએમમાં અજાણ્યા શખ્સોએ ગેરકાયદે પ્રવેશ કરી નાણાં નીકળવાના ભાગે કાળા કલરનું પ્લાસ્ટિકનું બ્લોકર લગાવી દીધું હતું. આ યુક્તિ દ્વારા આરોપીઓએ એક ગ્રાહકના 5000 રૂપિયાની ચોરી કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા મહેસાણા બી-ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્કોડ તપાસમાં જોડાઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનીકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ચોક્કસ બાતમી મેળવી આ ગેંગના બે સભ્યોને ઝડપી પાડ્યા હતા. કેશ બહાર આવવાના બદલે પ્લેટમાં ફસાઈ જતી
આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું છે કે તેઓ એટીએમમાં જ્યાંથી કેશ બહાર આવે છે ત્યાં પ્લાસ્ટિકની પ્લેટ બ્લોકર લગાવી દેતા હતા. જ્યારે કોઈ ગ્રાહક પૈસા ઉપાડવા આવે ત્યારે મશીનમાંથી કેશ બહાર આવવાને બદલે આ પ્લેટમાં ફસાઈ જતી હતી. ગ્રાહકને એમ લાગે કે ટેકનિકલ ખામીને કારણે પૈસા નથી નીકળ્યા અને તે ત્યાંથી જતો રહે, ત્યારબાદ આરોપીઓ આવીને પ્લેટ કાઢી ફસાયેલા નાણાં લઈને ફરાર થઈ જતા હતા. છત્રાલ અને ચાંદખેડામાં આ પદ્ધપતિ અપનાવી હતી
પકડાયેલા આરોપીઓએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર ઉપરાંત છત્રાલ અને ચાંદખેડાના આઈ.ઓ.સી. રોડ પર આવેલા એટીએમમાં પણ આ જ પદ્ધતિથી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. નોંધનીય છે કે આરોપી સહેબાજખાન અગાઉ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે આરોપીઓ પાસેથી 13,000 રૂપિયાની રોકડ, 3 મોબાઈલ ફોન, વિવિધ બેંકોના 10 એટીએમ કાર્ડ, ચોરીમાં વપરાતી 30 નંગ પ્લાસ્ટિકની પ્લેટો અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલ એક્ટિવા (GJ-18-CH-7762) મળી કુલ 58,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. *ઝડપાયેલા આરોપી* 1. સબઉદ્દીન મહોમદસગીરકુરેશી (ઉં.વ. 26, રહે. કલોલ, મૂળ ઉત્તરપ્રદેશ) 2. સહેબાજખાન મુકીમખાન કુરેશી (ઉં.વ.20, રહે. કલોલ, મૂળ ઉત્તરપ્રદેશ)
Read Original Article →