ST બસની ટક્કરે પુત્રની નજર સામે જ પિતાનું મોત:આધેડ પાછળના ટાયરમાં ઢસડાયા, લોહીલુહાણ હાલતમાં તરફડિયા મારતાં રહ્યાં; મહેસાણાની મોઢેરા ચોકડી પાસે અકસ્માત

Gujarat6/3/2026, 5:33:25 AM
ST બસની ટક્કરે પુત્રની નજર સામે જ પિતાનું મોત:આધેડ પાછળના ટાયરમાં ઢસડાયા, લોહીલુહાણ હાલતમાં તરફડિયા મારતાં રહ્યાં; મહેસાણાની મોઢેરા ચોકડી પાસે અકસ્માત
મહેસાણાના મોઢેરા ચોકડી પાસે આવેલા નવા બસ સ્ટેશન નજીક ST બસની ટક્કરે એક પુત્રની નજર સામે જ તેના પિતાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બસની અડફેટે આવ્યા બાદ આધેડ વયના પિતા પાછળના ટાયરમાં ઢસડાયા હતા અને લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ તરફડિયા મારતા રહ્યા હતાં. ગંભીર ઈજાઓ થવાના કારણે પુત્રની નજર સામે જ પિતાનું મોત થયું હતું. જ્યારે તેમની સાથે સવાર તેમનો પુત્ર આ અકસ્માતમાં આબાદ બચી ગયો છે. મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસે એસ.ટી. બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ST બસે એક્ટિવાને જોરદાર ટક્કર મારી કડી તાલુકાના અલકૌશર રેસિડેન્સીમાં રહેતા અને વાયરિંગનું કામ કરતા મહમદ બિલાલ અબ્દુલનબી બીડીવાલા (ઉંમર 23) અને તેમના પિતા અબ્દુલનબી અબ્દુલકરીમ બીડીવાલા ગઈકાલે સવારે મહેસાણા રાધનપુર ચોકડી પાસે આવેલી ભાગ્યોદય હોટેલમાં વાયરિંગનું કામ કરવા માટે પોતાના એક્ટિવા નંબર GJ-38-AG-3656 પર ગયા હતાં. ગઈકાલે(2 જૂન) બપોરે અઢી વાગ્યાની આસપાસ પોતાનું કામ પતાવીને પિતા-પુત્ર બંને એક્ટિવા પર પરત ઘરે જવા નીકળ્યા હતાં. પિતા-પુત્ર રોડ પર પટકાયા, પિતા બસના પાછળના ટાયરમાં ઢસડાયા દરમિયાન, પોણા ત્રણ વાગ્યાના અરસામાં તેઓ મહેસાણા મોઢેરા ચોકડી પાસેના નવા બસ સ્ટેશન નજીક પહોંચ્યા ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલી લાલ કલરની એક એસ.ટી. બસ નંબર GJ-18-ZT-3338 બસ સ્ટેશન તરફ વળી હતી. આ વખતે બસના પાછળના ડાબી બાજુના ટાયરે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ પિતા-પુત્ર બંને રોડ પર પટકાયા હતા, જેમાં પિતા અબ્દુલ નબી અબ્દુલ કરીમ બીડીવાલા બસના પાછળના ટાયરમાં ઢસડાયા હતા. સારવાર દરમિયાન પિતાનું મોત, પુત્રનો આબાદ બચાવ અકસ્માત થતાં જ આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા આધેડને ત્વરિત સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે મહેસાણાની લાયન્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બસ ચાલક સામે ગુનો નોંધાયો બનાવની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને મૃતદેહનું સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી મૃતદેહને વારસદારોને સોંપાયો હતો. આ અકસ્માતમાં મૃતકના પુત્ર મહમદ બિલાલનો ચમત્કારિક બચાવ થયો છે. પુત્રની ફરિયાદના આધારે પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો ડીવાઈડર કૂદી લકઝરી બસ ટ્રક સાથે અથડાઈ, બેના મોત 12 મે 2026ના મહેસાણા-રાજસ્થાન હાઈવે પર મોટી દાઉ ગામ નજીક મોડીરાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતી એક લક્ઝરી બસે ડિવાઈડર કૂદીને સામેની સાઈડથી આવતી કેળા ભરેલી ટ્રકને જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં. જ્યારે 13 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. (વાંચો સંપૂર્ણ સમાચાર)
Read Original Article →