આંતરિક જૂથવાદ:મયંક નાયક મારે માટે જીરો છે, મને નાયકથી નફરત છે, વધુ એક ભાજપ નેતાની ઓડિયો ક્લિપ વાયરલ

Gujarat5/24/2026, 12:00:00 AM
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ વિશે ભાજપના કોર્પોરેટરની ઓડિયો ક્લિપનો વિવાદ પૂરો થયો નથી, ત્યાં શુક્રવારે વધુ એક ભાજપ નેતાની રાજ્યસભાના સાંસદ મયંક નાયક વિશેની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે. આ વાયરલ ઓડિયોમાં ભાજપના સ્થાનિક નેતા અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલના પતિ પિન્ટુ પટેલ, ભાજપના જ અન્ય એક કાર્યકર સાથે ઉગ્ર ભાષામાં વાતચીત કરતા હોવાનું સંભળાઈ રહ્યું છે. આ વાતચીત દરમિયાન તેઓ રાજ્યસભાના સાંસદ મયંક નાયક વિશે અત્યંત આકરી ટિપ્પણીઓ કરી રહ્યા છે. વાયરલ થયેલી કથિત ઓડિયો ક્લિપમાં પિન્ટુ પટેલ ફોન પર કાર્યકર મૌલિકને સોશિયલ મીડિયા સ્ટેટસ બાબતે ખખડાવી રહ્યા છે. મૌલિકે રાજ્યસભા સાંસદ મયંક નાયકના પક્ષમાં કોઈ પોસ્ટ કે સ્ટેટસ મૂક્યું હોવાથી પિન્ટુ પટેલ ઉશ્કેરાઈ ગયા હતા. તેઓ ઓડિયોમાં સ્પષ્ટપણે બોલતા સંભળાય છે કે, મયંક નાયક મારા માટે ઝીરો છે અને મને નાયક પ્રત્યે સખત નફરત છે. એટલું જ નહીં, તેઓ કાર્યકરને ધમકાવતા કહી રહ્યા છે કે જો હિંમત હોય તો આ ફોન રેકોર્ડ કરી કોઈને પણ સંભળાવી દેજો. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વિશે ભાજપના કોર્પોરેટર ચંદ્રકાન્ત પટેલે ઓડિયો ક્લિપમાં ઉચ્ચારેલી અપમાનજનક ભાષા મામલે જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોરે મીડિયાને જણાવ્યું કે,નીતિનભાઈ પટેલે ચંદ્રકાન્ત પટેલની વિવાદિત ઓડિયો ક્લિપ આપી છે. તેના આધારે હવે તેમને ભાજપનો કોઈપણ હોદ્દો મળશે નહીં. આ મામલે ખુલાસો માંગવામાં આવશે અને હાઈકમાન્ડના માર્ગદર્શન મુજબ આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે. મોટીદાઉ ગામના હોદ્દા મુદ્દે ખુલ્લો પડકાર... આ વાતચીતમાં પિન્ટુ પટેલે પક્ષના આંતરિક સમીકરણો અને જૂથવાદને પણ સપાટી પર લાવી દીધો છે. તેમણે કાર્યકરને ખુલ્લો પડકાર ફેંકતાં કહ્યું કે, જો તારામાં તાકાત હોય તો મોટીદાઉ ગામના અંદર શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ બની બતાવ. જો તું આ હોદ્દો મેળવી બતાવે, તો હું રૂપિયા 200ના સ્ટેમ્પ પેપર પર લખીને આપવા તૈયાર છું કે હું અને મારી પત્ની (પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ) આજીવન રાજકારણ છોડી દઈશું. ક્લિપમાં અન્ય નેતાઓ અને આંતરિક જૂથવાદનો ઉલ્લેખ આશરે 7 મિનિટથી વધુ લાંબી આ કથિત ઓડિયો ક્લિપમાં પિન્ટુ પટેલ ભાજપના અન્ય સિનિયર નેતાઓ જેવા કે હરેશભાઈ અને રજનીભાઈના નામનો ઉલ્લેખ કરીને પોતાની વફાદારી સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, જો મારી સાથે સંબંધ રાખવો હોય તો રજનીભાઈને જ ગુરુ માનવા પડશે અને તેમને પગે લાગવું પડશે. આ ઉપરાંત, વાતચીતમાં ગાંધીનગરના મેયર અને જગદીશ વિશ્વકર્મા સાથે ફોટા પડાવવા પાછળ થતા કથિત ખર્ચાઓ અંગે પણ પિન્ટુ પટેલે ગંભીર કટાક્ષ કર્યા છે. આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના ભાજપ સંગઠનમાં મોટો ભૂકંપ આવ્યો છે.
Read Original Article →