આંખમાં મરચું નાખી પાઇપ-ધોકાથી બેરહેમ માર માર્યો, યુવક ICUમાં:મહેસાણામાં કૌટુંબિક કલેશમાં યુવક પર સગા ભાઈ-બહેન અને બનેવીનો જીવલેણ હુમલો

Gujarat5/27/2026, 10:09:17 AM
આંખમાં મરચું નાખી પાઇપ-ધોકાથી બેરહેમ માર માર્યો, યુવક ICUમાં:મહેસાણામાં કૌટુંબિક કલેશમાં યુવક પર સગા ભાઈ-બહેન અને બનેવીનો જીવલેણ હુમલો
મહેસાણા શહેરના કે.કે. નગર વિસ્તારમાં આવેલી આદ્યશક્તિ સોસાયટીમાં એક અત્યંત ચોંકાવનારી અને લોહિયાળ ઘટના સામે આવી છે. અહીં રહેતા અને અમદાવાદ 108 એમ્બ્યુલન્સમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા 26 વર્ષીય યુવક આશિષકુમાર ચંદુલાલ યોગી પર તેમના જ સગા ભાઈ, બહેન અને બનેવી સહિત ચાર શખ્સોએ ઘરમાં ઘૂસીને ઘાતકી હુમલો કર્યો છે. હુમલાખોરોએ યુવકની આંખમાં મરચાની પૂડ નાખી લોખંડની પાઇપ અને લાકડાના ધોકા વડે બેરહેમ માર મારી તેને અધમૂવો કરી નાખ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોડી રાત્રે દરવાજો ખોલતા જ મરચું છાંટી દીધું પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત 25 મેની મોડીરાત્રે આશરે 12:30 વાગ્યાના અરસામાં આશિષકુમાર પોતાના ઘરે સૂતા હતા. આ દરમિયાન અચાનક દરવાજો ખખડતા તેમણે બહાર આવીને જોયું તો સામે તેમનો ગાંધીનગર રહેતો ભાઈ કિશોર, અમદાવાદના બાપુનગર ખાતે રહેતા બહેન શિલ્પાબેન, બનેવી અભિષેક સોમાભાઈ ભટ્ટી અને અન્ય એક અજાણ્યો શખ્સ ઊભા હતા. આ શખ્સોએ કશું જ બોલ્યા વગર અચાનક આશિષકુમારની આંખમાં મરચાની પૂડ નાખી દીધી હતી અને ઘરમાં ધસી જઈ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. ઘરની અંદર અને રસ્તા પર લાવીને બેરહેમ માર માર્યો આંખમાં મરચું હોવાને કારણે આશિષકુમાર કશું જોઈ શકતા નહોતા, જેનો ફાયદો ઉઠાવીને સગા ભાઈ કિશોરે લોખંડની પાઇપ આશિષકુમારના માથાના પાછળના ભાગે ફટકારી દીધી હતી. જ્યારે બનેવી અભિષેકે લાકડાના ધોકા વડે અને બહેન તથા અજાણ્યા શખ્સે ગડદાપાટુનો આડેધડ માર મારવાનું શરૂ કર્યું હતું. હુમલાખોરો યુવકને લોહીલુહાણ હાલતમાં મારતા મારતા ઘરની બહાર જાહેર રોડ પર ખેંચી લાવ્યા હતા. સ્થિતિ ગંભીર હોવાથી યુવક ICU વોર્ડમાં સારવાર હેઠળ યુવકની ચીસાચીસ અને બૂમાબૂમ સાંભળીને સોસાયટીના લોકો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા અને તેને વધુ મારમાંથી છોડાવ્યો હતો. આ દરમિયાન બહાર ગયેલા તેના માતા-પિતા પણ દોડી આવ્યા હતા. લોકો ભેગા થઈ જતાં હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. લોહીલુહાણ હાલતમાં આશિષકુમારને 108 એમ્બ્યુલન્સ મારફતે મહેસાણાની વાઇબ્રન્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી તેને ICU વોર્ડમાં રાખવામાં આવ્યો છે. એ ડિવિઝન પોલીસે ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે તમામ નામજોગ આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરનો ગુનો નોંધી તેમની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →