સાસરિયાના માનસિક ત્રાસથી પરિણીતાનો આપઘાત:મૃતકની માતાએ પરિણીતાના પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, 'પુત્ર જ જોઈએ' છે કહી મેણાટોણા મારતા હતા
મહેસાણા શહેરના બી ડિવિઝન પોલીસ મથકે એક કરુણ ઘટના સામે આવી છે.જેમાં 28 વર્ષીય પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ મામલે મૃતકની માતાએ પોતાની દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ જમાઈ અને વેવાણ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. ઘરકામ અને રસોઈ બાબતે માનસિક ત્રાસ આપતા હતા
અમદાવાદના ન્યુ મણીનગર વિસ્તારમાં રહેતા અને મૂળ રાજકોટના વતની રંજનબેન મહેન્દ્રભાઈ સુથારે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની દીકરી એકતાના લગ્ન માંકણજ ગામના વતની અને હાલ મહેસાણા ખાતે રહેતા આશિષ ભરતભાઈ સુથાર સાથે સમાજના રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્નના શરૂઆતના ત્રણ મહિના બાદ સાસરિયા દ્વારા એકતાને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, એકતાનો પતિ આશિષ કોઈ કામ-ધંધો કરતો ન હોવાથી દીકરી તેને સમજાવવા જતી ત્યારે તે ગાળાગાળી કરતો હતો. બીજી તરફ સાસુ માલતીબેન 'પુત્ર જ જોઈએ' તેમ કહી અવારનવાર મેણાટોણા મારતા અને ઘરકામ તેમજ રસોઈ બાબતે માનસિક ત્રાસ આપતા હતા.આ ત્રાસથી કંટાળીને એકતા અગાઉ બે વખત રીસાઈને પિયર પણ ગઈ હતી, પરંતુ માતા-પિતાએ તેને સમજાવીને પરત સાસરીમાં મોકલી હતી. મૃતકની માતાએ પતિ અને સાસુ પર આક્ષેપ કર્યો
ગઈ 4 એપ્રિલ, 2026ના રોજ વહેલી સવારે એકતાએ મહેસાણા સ્થિત ભાડાના મકાનમાં આત્મહત્યા કરી હોવાની જાણ પિયર પક્ષને કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતા જ પરિવાર મહેસાણા સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસ તપાસ અને પી.એમ. બાદ દીકરીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મૃતકની માતાએ આક્ષેપ કર્યો છે કે, પતિ અને સાસુના સતત માનસિક અને શારીરિક ત્રાસના કારણે જ તેમની દીકરીએ આ અંતિમ પગલું ભર્યું છે. આ ફરિયાદના આધારે મહેસાણા બી ડિવિઝન પોલીસે આરોપી પતિ આશિષ ભરતભાઈ સુથાર અને સાસુ માલતીબેન ભરતભાઈ સુથાર વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →