'હવે પછી પાણી અહીં આવ્યું તો તને જીવતી છોડીશું નહીં':બાથરૂમનું પાણી કાઢવા બાબતે પડોશી દંપતીનો વૃદ્ધા પર હુમલો, માથામાં પાવડો અને ઇંટ મારતા લોહીલુહાણ

Gujarat5/20/2026, 3:47:07 PM
'હવે પછી પાણી અહીં આવ્યું તો તને જીવતી છોડીશું નહીં':બાથરૂમનું પાણી કાઢવા બાબતે પડોશી દંપતીનો વૃદ્ધા પર હુમલો, માથામાં પાવડો અને ઇંટ મારતા લોહીલુહાણ
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના મોટા-કોઠાસણા ગામે બાથરૂમનું ગંદુ પાણી કાઢવા જેવી સામાન્ય બાબતમાં પડોશમાં રહેતા દંપતીએ એક વૃદ્ધા પર પાવડા અને ઇંટ વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા 59 વર્ષીય વૃદ્ધાને માથાના ભાગે ત્રણ ટાંકા આવ્યા છે અને હાલ તેઓ વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે. આ અંગે ભોગ બનનાર મહિલાએ સતલાસણા પોલીસ મથકમાં પડોશી દંપતી વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. 'અમારા ઘર આગળ ગંદુ પાણી કેમ કાઢે છે' સતલાસણા ના મોટા-કોઠાસણા ગામે રહેતા તારાબેન રાવળ (ઉ.વ.59) આજે સવારે આઠેક વાગ્યાના સુમારે પોતાના ઘરની પાછળ ભરાઈ ગયેલું બાથરૂમનું પાણી બહાર કાઢી રહ્યા હતા. તે દરમિયાન પડોશમાં રહેતા મધુબેન રાવળે ત્યાં આવીને 'અમારા ઘર આગળ ગંદુ પાણી કેમ કાઢે છે' તેમ કહી તકરાર શરૂ કરી હતી. તારાબેને આ પાણી થોડીવારમાં સુકાઈ જશે તેમ કહેતા જ મધુબેન એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો ભાંડી ગળદાપાટુનો માર મારવા લાગ્યા હતા. એટલું જ નહીં, મધુબેને ઘર આગળ પડેલો પાવડો ઉપાડી તારાબેનના માથામાં ફટકારી દીધો હતો. 'હવે પછી પાણી અહીં આવ્યું તો તને જીવતી છોડીશું નહીં' આ દરમિયાન હોબાળો થતાં મધુબેનના પતિ રાજુભાઈ મણાભાઈ રાવળ પણ પત્નીના વહારે દોડી આવ્યા હતા અને તેમણે ઘર આગળ પડેલી ઇંટ ઉઠાવીને તારાબેનના માથાના પાછળના ભાગે છુટ્ટી મારી દીધી હતી. તારાબેને બૂમાબૂમ કરતા તેમના પતિ દોડી આવ્યા હતા અને વધુ મારપીટમાંથી છોડાવ્યા હતા. આસપાસના લોકો એકઠા થઈ જતાં પડોશી દંપતી 'હવે પછી પાણી અહીં આવ્યું તો તને જીવતી છોડીશું નહીં' તેવી જાનથી મારી નાખવાની ધમકી આપીને ઘરમાં ભરાઈ ગયું હતું. વૃદ્ધાને વધુ સારવાર માટે વડનગર સિવિલ ખસેડાયા હુમલામાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં લોહીલુહાણ થયેલા તારાબેનને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સતલાસણા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપી માથામાં ત્રણ ટાંકા લીધા હતા. જો કે ઈજા ગંભીર હોવાથી તબીબી સલાહ અનુસાર તેમને વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલમાં હોસ્પિટલ માંથી મહિલાએ પડોશી દંપતી સામે કાયદેસરની ફરિયાદ નોંધાવતા સતલાસણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →