'ભારત દેશમાં રહીએ છીએ એ મોટો અપરાધ કર્યો છે':'કોણીએ ગોળ લગાવીને જતા રહે', ગુસ્સા સાથે વોર્ડ-13ના રહીશોની કમાન છટકી
નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ વખત મહેસાણા મનપાના 13 વોર્ડની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે શહેરના વોર્ડ નંબર 13ના લોકોની સમસ્યા જાણવા દિવ્ય ભાસ્કર ટીમ ઋષિનગર અને રાણા વાસમાં પહોંચી હતી. જ્યાં રહીશો સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નો અને સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો. શહેરની દિવસ રાત સફાઈ કરતા સફાઈકર્મીઓ જે વોર્ડમાં રહે છે, એવા ઋષિનગર વિસ્તારમાં ભાસ્કરની ટીમ પહોંચી હતી. આ વિસ્તારમાં જ્યારથી પ્રજા વસવાટ કરે છે ત્યારથી આજ સુધી ન તો ગટર લાઈન આવી કે ન તો પાકા રસ્તા બનાવવામાં આવ્યા. મોટા ભાગના મકાનોમાં ખાર કુવા જોવા મળે છે. જે અવારનવાર ઉભરાઈ જતા ગટરના ગંદા પાણી લોકોના ઘરની આજુબાજુ ફેલાયેલા જોવા મળ્યા હતા. રાણાવાસમાં વીજળી અને રખડતા ઢોરની સમસ્યા
સ્થાનિકોએ અનેકવાર મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે. તેમ છતાં આ વિસ્તારની સમસ્યા ઠેરના ઠેર રહી છે. થોડા સમય પહેલા શહેરના કેટલાક વિસ્તારોમાં ગટર લાઈન નાખવામાં આવી હતી. પરંતુ તેમાંથી ઋષિનગર વિસ્તારને બાકાત રાખવામાં આવ્યો હતો. ત્યારે બાજુમાં અડીને આવેલા ગણેશ રેસિડેન્ટમાં ગટર લાઇન નાખવામાં આવી છે. બીજી બાજુ રાણા વાસમાં રખડતા ઢોર અને વીજળીની સમસ્યાથી રહીશો પરેશાન છે. અમે બહુ ત્રાસી ગયા છીએ:નરસિંહ વાઘેલા
નરસિંહ વાઘેલાએ ભાસ્કરને જણાવ્યું હતું કે અમારે રોડનો અને ગટર લાઈનનો મોટો પ્રશ્ન છે. અમે વાલ્મિકી સમાજના છીએ આખા ગામની ગંદકી સાફ કરીયે છીએ. છતાંય અમારા પ્રશ્નને સરકાર હલ કરી નથી શકતી. અમને લાગે છે કે 'ભારત દેશમાં રહીએ છીએ એ મોટો અપરાધ કર્યો છે'. વર્ષ 2012થી અમે આ સમસ્યાને લઈ સંઘર્ષ કરી રહ્યા છીએ. અમે બહુ ત્રાસી ગયા છીએ. છેલ્લા 40 વર્ષથી અહીંયા વસવાટ કરીએ છીએ અને 110 ઘર આવેલા છે. દરેકના ઘરના ખાર કુવા ઉભરાય છે અને કુવા ખોદાવીને થાકી ગયા છીએ. 'અમે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ'
નરસિંહભાઈએ વધુમાં જણાવ્યું હતું કે અહીંયા વસવાટ કરતા લોકો કોર્પોરેશનના સફાઈ કર્મીઓ છે જે સાત આઠ હજારમાં નોકરી કરે છે. અમે ટેક્સ પણ ભરીયે છીએ અને આ બાબતે પાલિકામાં બુમો પાડી પાડી થાકી ગયા. 25 લોકો અરજી કરવા ગયા હતા. તેમ છતાં અમારું કોઈ સાંભળતું નથી. અમે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ. અમારે ચૂંટણીમાં વોટિંગ જ નથી કરવું. આ લોકોને વોટ આપી કરવાનું શુ? આખા મહેસાણામાં વિકાસ થાય છે પરંતુ ઋષિનગરનો કોઈ વિકાસ નથી સાહેબ. અહીંયા સમસ્યાના હલ માટે આવે છે, જોવે છે અને જતા રહે છે. અમને કોણીએ ગોળ લગાડે છે બસ. અમારી તો ક્યાંય ગણતરી જ નથી. ‘ખાર કૂવો ખાલી કરવા રુપિયા આપવા પડે’
તરુણ કુમાર વાઘેલાએ જણાવ્યું હતું કે, અમારે ઘણા સમયથી ગટર લાઈનની સમસ્યા છે. ખાર કૂવો ખાલી કરાવવાના ટેન્કર વાળાને 1000-1000 રૂપિયા આપવા પડે છે. અમારી એવી પરિસ્થિતિ નથી કે અમે આવા પૈસા આપી શકીએ. અમારી સોસાયટીમાં જે ગટર લાઇન આવી છે એ પુરી કરી આપે એવી માગ છે. સોસાયટીમાં રોડ રસ્તા પણ અધૂરા જ આવ્યા છે. અત્યાર સુધી અમારા વિસ્તારમાં કોઈ જોવા આવ્યું નથી. ‘આ વખતે વોટ આપવો જ નથી’
સ્થાનિક મનીષાબેને જણાવ્યું કે અહીંયાના 90 ટકા લોકો સફાઈ વ્યવસ્થામાં જોડાયેલા છીએ. અમારા જ વિસ્તારનો પ્રશ્ન સાંભળવામાં આવતો નથી. ઋષિનગર સોસાયટીના લોકોએ એટલે કે અમે તો હવે વિચારી લીધું છે કે વોટ આપવો જ નથી. ‘નેતા વોટ લેવા આવે જોવા આવતા નથી’
તો સ્થાનિક કે.બી.રાઠોડએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. આ વિસ્તારમાં ક્યારે કોઈ નેતા કે કોર્પોરેટર જોવા પણ આવતા નથી, વોટ લઈ જતા રહે છે. મહાનગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી. ‘5 વર્ષમાં કોઈ વિકાસના કાર્યો થયા નહીં’
સતીશ રાણાએ જણાવ્યું હતું કે, અમારા કસબા વિસ્તારમાં જે પાણીની ટાકી બની છે એ લીકેજ થઈ છે. ખારી નદીમાં ગંદા પાણી છોડવામાં આવે છે, આ બાબતે અરજી આપી છે પણ કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. વર્ષ 2021માં જે ચાર કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા એ અમારા વિસ્તારમાં ક્યારેય જોવા આવ્યા નથી. પાંચ વર્ષ દરમિયાન અમારા વિસ્તારમાં કોઈ પણ વિકાસ થયો નથી. અમારા ટેક્ષના પૈસા પાણીમાં ગયા છે એવું લાગી રહ્યું છે. ‘અમારા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટનો અભાવ’
પરમાર રજનીએ જણાવ્યું હતું કે રોડ બનાવ્યો છે પણ બાજુમાં બ્લોક નાખ્યા નથી. જેના કારણે પાણી ભરાઈ રહે છે અને મચ્છર બહુ આવે છે. નાના છોકરા રમતા હોઈ એમને બહુ તકલીફ પડે છે. રાણાવાસમાં 40 ઘર છે. એમાં સ્ટ્રીટ લાઈટના અભાવે અંધારું બહુ રહે છે. કોઈ વીજપોલ કે લાઈટની સુવિધા નથી. વધુમાં જણાવ્યું કે આ સમસ્યાનું નિરાકરણ લાવો ત્યારબાદ અમે વોટનું વિચારીશું.
Read Original Article →