રેલવે ટ્રેક ક્રોસ કરતા ત્રણ કિશોરો ટ્રેન નીચે કચડાયા:મહેસાણામાં માલગાડીની અડફેટે કમકમાટી ભર્યા મોત, મૃતદેહ પોટલામાં ભરી હોસ્પિટલ ખસેડાયા
મહેસાણાના શોભાસણ ગામ નજીક એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં માલગાડીની અડફેટે ત્રણ માસૂમ બાળકોના ઘટનાસ્થળે જ કાળજું કંપાવનારા મોત નિપજ્યા હતા. આ કાળમૂખી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી અને મૃતક બાળકોના પરિવારો પર જાણે આભ તૂટી પડ્યું હતું. જોકે, બાળકોના મૃતદેહને પોટલામાં ભરી હોસ્પિટલ ખસેડાયા હતા. રેલવે ટ્રેક ક્રોસ કરતા ત્રણ કિશોરો ટ્રેન અડફેટે આવ્યા
મળતી માહિતી મુજબ, આ કરુણ ઘટના સાંજના આશરે 4:26 વાગ્યાની આસપાસ બની હતી. શોભાસણ ગામના ઠાકોર વાસમાં રહેતા ત્રણ કિશોરો રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક આવી પહોંચેલી એક માલગાડીએ ત્રણેયને પોતાની અડફેટે લઈ લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણેય બાળકોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. વહાલસોયા દીકરા ગુમાવતા ઠાકોર પરિવાર શોકમાં
આ અકસ્માતમાં કાળનો કોળિયો બનેલા બાળકોમાં શોભાસણ ગામના 15 વર્ષીય જીગ્નેશ હમીરજી ઠાકોર (ધો.11), 16 વર્ષીય મૌલિકજી ફતેહસિંહ ઠાકોર (ધો. 11) અને ૯માં ધોરણમાં અભ્યાસ કરતા 14 વર્ષીય યુવરાજ રણજીતજી ઠાકોરનો સમાવેશ થાય છે. એકસાથે ત્રણ-ત્રણ આશાસ્પદ વહાલસોયા દીકરાઓ ગુમાવતા ઠાકોર વાસ સહિત સમગ્ર ગામ શોક સાગરમાં ડૂબી ગયું છે અને પરિવારોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે. ત્રણેય કિશોરોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા
આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરાતાં જ પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્રણેય કિશોરોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમાચાર પણ વાંચો ગોધરા પાસે ચાલુ ટ્રેનમાંથી પટકાતા 19 વર્ષીય પરપ્રાંતિય યુવકનું મોત ગોધરા નજીક ચંચેલાવ અને સંતરોડ રેલવે સ્ટેશન વચ્ચે મોડી રાત્રે એક દુર્ઘટના બની હતી. ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસના જનરલ કોચમાંથી 19 વર્ષીય યુવાન નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર
Read Original Article →