મહેસાણાની 10 તાલુકા પંચાયત ચૂંટણી માટે 222એ ઉમેદવારી પત્ર ભર્યા:5 નગરપાલિકામાં 131 ફોર્મ ભરાઈ ચૂક્યા, 46 ઉમેદવારોએ મનપાની ચૂંટણી માટે ફોર્મ ભર્યા
મહેસાણા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ પૂરેપૂરો ગરમાયો છે. જિલ્લાની 10 તાલુકા પંચાયતો, 5 નગરપાલિકાઓ અને મહેસાણા મહાનગરપાલિકા માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા વેગવંતી બની છે.જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. તાલુકા પંચાયતોમાં ઉમેદવારોનો ભારે ઉત્સાહ
જિલ્લાની 10 તાલુકા પંચાયતોની ચૂંટણી માટે અત્યાર સુધીમાં કુલ 222 ઉમેદવારોએ ફોર્મ ભરીને ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. તાલુકાવાર વિગતો જોઈએ તો ખેરાલુ અને વિજાપુર તાલુકામાં સૌથી વધુ 37-37 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ સિવાય કડીમાં 32, વડનગરમાં 25 અને મહેસાણા તાલુકામાં 24 ઉમેદવારો મેદાનમાં આવ્યા છે. બહુચરાજીમાં 19 ઉમેદવારો જ્યારે સતલાસણા, ઊંઝા અને જોટાણા તાલુકા પંચાયત માટે 13-13 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. વિસનગર તાલુકા પંચાયત માટે હાલમાં સૌથી ઓછા 9 ઉમેદવારી પત્રો ભરાયા છે. નગરપાલિકાઓમાં ઊંઝા અને વિજાપુરમાં જામશે જંગ
જિલ્લાની 5 નગરપાલિકાઓમાં પણ ચૂંટણી પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે.જ્યાં અત્યાર સુધીમાં કુલ 131 ફોર્મ ભરાઈ ચૂક્યા છે. જેમાં સૌથી વધુ ઊંઝા નગરપાલિકામાં 71 ઉમેદવારોએ ફોર્મ ભરીને રાજકીય ઉત્તેજના વધારી દીધી છે. વિજાપુર નગરપાલિકામાં પણ 46 ફોર્મ સાથે ભારે રસાકસી જોવા મળી રહી છે. જ્યારે બેચરાજીમાં 6, કડીમાં 5 અને વિસનગર નગરપાલિકામાં 3 ફોર્મ ભરાયા છે. મહેસાણા મહાનગરપાલિકામાં વોર્ડ વાઈઝ સ્થિતિ
નવનિર્મિત મહેસાણા મહાનગરપાલિકા માટે પણ ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 46 ઉમેદવારોએ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભર્યા છે. વોર્ડ મુજબના આંકડા તપાસતા, વોર્ડ નંબર 1 થી 5 માં સૌથી વધુ 22 ફોર્મ ભરાયા છે. આ ઉપરાંત વોર્ડ નંબર 6 થી 9 માં 13 ઉમેદવારો અને વોર્ડ નંબર 10 થી 13 માં કુલ 11 ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે દાવેદારી રજૂ કરી છે.
Read Original Article →