10 મિનિટ બેસવાનું કહેતા યુવકે ગાડીના કાચ તોડ્યા:તલાટી કમ મંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી, લાઘણજ પોલીસ મથકમાં ફરિયાદ

Gujarat5/19/2026, 3:37:50 AM
10 મિનિટ બેસવાનું કહેતા યુવકે ગાડીના કાચ તોડ્યા:તલાટી કમ મંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી, લાઘણજ પોલીસ મથકમાં ફરિયાદ
મહેસાણાના દીતાસણ ગામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી પર હુમલો કરી તેમની ગાડીમાં તોડફોડ કરવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ અંગે તલાટી કમ મંત્રીએ લાઘણજ પોલીસ મથકમાં રીતસરની ફરિયાદ નોંધાવી છે. યુવક વિધવા પેન્શન બાબતે પૂછપરછ કરવા માટે કચેરીએ આવ્યો મહેસાણાની અક્ષરધામ ટાઉનશીપમાં રહેતા અને છેલ્લા દોઢ વર્ષથી દીતાસણ ગામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા જીપીનભાઇ બબાભાઇ જેસંગભાઈ ચૌધરી (ઉ.વ.35) એ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત રોજ બપોરના દોઢેક વાગ્યાના સુમારે તેઓ પંચાયત કચેરીમાં વી.સી.ઈ. રમેશજી કુવરજી ઠાકોર અને હાર્દીક મહેન્દ્રજી ઠાકોર સાથે હાજર હતા. તે સમયે ગામમાં જ પંચાયતની બાજુમાં રહેતો નરેશજી ઉર્ફે જાફર રામાજી ઠાકોર નામનો યુવક તેની માતા સીતાબેનના વિધવા પેન્શન બાબતે પૂછપરછ કરવા માટે કચેરીએ આવ્યો હતો. તલાટીએ 10 મિનિટ બેસવા માટે જણાવ્યું તલાટી તે સમયે સરકારી કામમાં વ્યસ્ત હોવાથી તેમણે નરેશજીને 10 મિનિટ બેસવા માટે જણાવ્યું હતું. આ સામાન્ય વાતથી એકદમ ઉશ્કેરાઈ ગયેલા નરેશજીએ પંચાયતના સ્ટાફને જેમતેમ ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તે દોડીને પોતાના ઘરે ગયો હતો અને હાથમાં લાકડાનો ધોકો લઈને પરત આવ્યો હતો. કારમાં ધોકાના ફટકા મારીને કાચ તોડી નાખ્યા ઉશ્કેરાયેલા યુવકે પંચાયત કચેરીની બહાર પાર્ક કરેલી તલાટીની ટાટા નેક્સન ગાડી (નંબર GJ-02-EK-9181) ના આગળ અને પાછળના ભાગે ધોકાના ફટકા મારીને કાચ તોડી નાખ્યા હતા અને ગાડીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. તોડફોડ કર્યા બાદ પણ તેનો ગુસ્સો શાંત ન થતાં, તેણે તલાટી અને સ્ટાફને 'આજે તમે બહાર નીકળો, આજે તો તમને જાનથી મારી નાખવા છે' તેવી ધમકી આપી હતી અને ગાળાગાળી કરી ત્યાંથી નાસી છૂટ્યો હતો. ફરિયાદ નોંધાઈ આ ચકચારી ઘટનાને પગલે તલાટી કમ મંત્રી જીપીનભાઇ ચૌધરીએ દીતાસણ ગામના આરોપી નરેશજી ઉર્ફે જાફર રામાજી ઠાકોર વિરુદ્ધ લાઘણજ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Read Original Article →