શબરી સ્કૂલ પાછળના મ્યુનિસિપલ કમ્પાઉન્ડની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ:10 જેટલા રહેણાંક ઝૂંપડા બળીને ખાખ

Gujarat5/12/2026, 9:41:32 AM
શબરી સ્કૂલ પાછળના મ્યુનિસિપલ કમ્પાઉન્ડની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ:10 જેટલા રહેણાંક ઝૂંપડા બળીને ખાખ
મહેસાણા શહેરમાં આજે વહેલી સવારે આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. શહેરની શબરી સ્કૂલ પાછળ આવેલા મ્યુનિસિપલ કમ્પાઉન્ડની ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે જોતજોતામાં આસપાસના 10 જેટલા ઝૂંપડાઓને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. વહેલી સવારે સર્જાઈ નાસભાગ પ્રાપ્ત વિગતો અનુસાર, જે સ્થળે આગ લાગી હતી ત્યાં મહેસાણા મહાનગરપાલિકાની કચરા ગાડીના ડ્રાઈવરો અને તેમના પરિવારો વસવાટ કરે છે. વહેલી સવારે જ્યારે લોકો નિદ્રાધીન હતા, ત્યારે અચાનક આગ ફાટી નીકળતા જીવ બચાવવા માટે લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આગની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે ગરીબ પરિવારોના ઝૂંપડામાં રાખેલી તમામ ઘરવખરી અને સરસામાન જોતજોતામાં બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડની કામગીરી ઘટનાની જાણ થતા જ મહેસાણા મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, જેને પરિણામે આગ વધુ પ્રસરતી અટકી હતી અને મોટી હોનારત ટળી હતી. જાનહાનિ ટળી, પરંતુ પરિવારો બેઘર સદનસીબે, આ ભીષણ આગમાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે મોટી રાહતની વાત છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અચાનક આવેલી આ આફતને કારણે અનેક શ્રમિક પરિવારો પોતાની તમામ સંપત્તિ ગુમાવીને ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આગના કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →