મહેસાણા સેશન્સ કોર્ટે ફ્રોડના આરોપી હીરેન પટેલની જામીન અરજી ફગાવી:પત્નીના નામે ખોલાવેલા સેવિંગ્સ ખાતાનો દુરુપયોગ કરીને 1 કરોડથી વધુનું શંકાસ્પદ ટર્નઓવર કર્યું'તું
મહેસાણા અર્બન બેંકની બેચરાજી શાખામાં પોતાની પત્નીના નામે ખોલાવેલા સેવિંગ્સ ખાતાનો દુરુપયોગ કરી કરોડો રૂપિયાનું શંકાસ્પદ ટર્નઓવર કરનાર આરોપી હીરેન લક્ષ્મણભાઈ પટેલની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. આરોપીએ જેલમાંથી બહાર આવવા માટે આફ્ટર ચાર્જશીટ રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી, જેની સુનાવણી બાદ મહેસાણા સેશન્સ કોર્ટના જજ એમ.એફ. ખત્રીએ આ નિર્ણય સંભળાવ્યો હતો. 1 કરોડથી વધુનું શંકાસ્પદ ટર્નઓવર કર્યું
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી હીરેન પટેલે તેની પત્ની પ્રેમિલાબેનના નામે 8 એપ્રિલ 2024ના રોજ ખાતું ખોલાવ્યું હતું. આ ખાતામાં 10 ઓક્ટોબર 2025 સુધીના માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં કુલ રૂ1,07,20,842નું શંકાસ્પદ ડેબિટ અને ક્રેડિટ ટર્નઓવર કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન સાયબર ફ્રોડના રૂ16.68 લાખ સહિત કુલ રૂ1.07 કરોડની રકમ કેશ અને ચેક દ્વારા ઉપાડી લઈને ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવી હોવાનું ખૂલતાં બેચરાજી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. સેશન્સ કોર્ટે આરોપી હીરેન પટેલની રેગ્યુલર જામીન અરજી ફગાવી
કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર દવેએ ધારદાર દલીલો રજૂ કરતા જણાવ્યું હતું કે, આરોપીએ પોતાની પત્નીના બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરીને એક કરોડ રૂપિયાથી વધુનું મોટું કૌભાંડ આચર્યું છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને પકડવાના હજુ બાકી છે, તેમજ આ સાયબર ફ્રોડના તાર અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલા છે જ્યાં ફરિયાદો નોંધાયેલી છે. સરકારી વકીલની આ દલીલો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને સેશન્સ કોર્ટે આરોપી હીરેન પટેલની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી હતી.
Read Original Article →