મહેસાણા રેલવે સ્ટેશને ટ્રેનની ટક્કરે અજાણ્યા યુવકનું મોત:રેલવે લાઈન પર પસાર થતો હતો ને કાળ ભેટી ગયો, પોલીસે વાલીવારસની શોધખોળ શરૂ કરી

Gujarat5/22/2026, 7:31:09 AM
મહેસાણા રેલવે સ્ટેશને ટ્રેનની ટક્કરે અજાણ્યા યુવકનું મોત:રેલવે લાઈન પર પસાર થતો હતો ને કાળ ભેટી ગયો, પોલીસે વાલીવારસની શોધખોળ શરૂ કરી
મહેસાણા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 પાસે એક અરેરાટીભરી અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક અજાણ્યા યુવકનું ટ્રેનની અડફેટે આવી જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અકસ્માત અંગેની જાણ થતાં જ રેલવે પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકના વાલીવારસને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ટ્રેનની જોરદાર ટક્કર ને યુવકનું મોત મળતી વિગતો મુજબ ગત તારીખ 21મેના રોજ વહેલી સવારે 4 વાગ્યા અગાઉ મહેસાણા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 1 પર આવેલી લિફ્ટની બાજુમાં રેલવે લાઈન પર એક અજાણ્યો પુરુષ કોઈ અગમ્ય કારણોસર પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક ટ્રેનની અડફેટે યુવક આવી ગયો હતો. ટ્રેનની જોરદાર ટક્કર વાગવાને કારણે યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. રેલવે પોલીસે તપાસ શરૂ કરી આ ચકચારી ઘટના અંગે રેલવે સ્ટેશનના સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોઈને મહેસાણા રેલવે પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોતાના કબજામાં લઈ પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતે મોતનો ગુનો નોંધાયો આ મામલે મહેસાણા રેલવે પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ આદરવામાં આવી છે. રેલવે પોલીસે મૃતક યુવકની ઓળખ વિધિ માટે આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે અને જો કોઈને આ યુવક અંગે માહિતી હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.
Read Original Article →