મહેસાણા મનપામાં વીજળીનો બેફામ વેડફાટ:અધિકારી ગેરહાજર છતાં ચેમ્બરમાં AC-લાઇટો ચાલું

Gujarat5/27/2026, 11:49:08 AM
મહેસાણા મનપામાં વીજળીનો બેફામ વેડફાટ:અધિકારી ગેરહાજર છતાં ચેમ્બરમાં AC-લાઇટો ચાલું
મહેસાણા મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા જ પ્રજાના પરસેવાની કમાણી અને ટેક્સના નાણાંનો સરેઆમ વેડફાટ કરાતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાલિકા કચેરીમાં ઉચ્ચ અધિકારીની ગેરહાજરીમાં પણ વીજળીનો બેફામ દુરુપયોગ થતો હોવાના જીવંત દ્રશ્યો સામે આવ્યા છે, જે વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને બિનજવાબદારીભર્યું વલણ છતું કરે છે. અધિકારી કલેક્ટર કચેરીએ ગયા છતાં ચેમ્બર 'ઠંડી' રખાઈ! મળતી વિગતો અનુસાર, મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર છેલ્લા 2 કલાકથી વધુ સમયથી કલેક્ટર કચેરી ખાતે આયોજિત એક સત્તાવાર મીટિંગમાં વ્યસ્ત હતા. અધિકારી લાંબા સમયથી પોતાની કચેરીમાં હાજર ન હોવા છતાં, તેમની બંધ અને ખાલી ચેમ્બરમાં AC તેમજ તમામ લાઇટો ચાલુ છોડી દેવામાં આવી હતી. આ દ્રશ્યો જોતા સ્થાનિક સ્તરે એવા વેધક સવાલો ઉઠી રહ્યા છે કે, સાહેબ જ્યારે મીટિંગમાંથી પાછા ફરે ત્યારે તેમને રૂમ પહેલેથી જ ઠંડો મળે તે માટે સરકારી વીજળીનો આ પ્રકારે બેફામ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે? જનતા પર વેરાનો બોજ, સરકારી બાબુઓ ઉડાવે છે લીલાલહેર મહેસાણા મહાનગરપાલિકામાં દર વર્ષે વીજળીનું બિલ લાખો અને કરોડો રૂપિયા આવે છે. આમ છતાં, પાલિકાના ઉચ્ચ અધિકારીઓ કે સ્ટાફમાં ઊર્જા બચત (Energy Saving) અંગે કોઈ જ ગંભીરતા કે નૈતિક જવાબદારીની ભાવના દેખાતી નથી. એક તરફ સામાન્ય જનતા પર અવારનવાર કરવેરાનો બોજ ઝીંકવામાં આવે છે, અને બીજી તરફ પ્રજાના ટેક્સના નાણાં આ રીતે સરકારી બાબુઓની આરામદાયક સુવિધા પાછળ વેડફાઈ રહ્યા છે જેને પગલે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બેદરકારી બદલ HOD સામે પણ પગલાં લેવાશે: ડેપ્યુટી કમિશનર આ ગંભીર મામલે મહેસાણા મનપાના ડેપ્યુટી કમિશનર દર્શન સિંહ ચાવડાએ ખુલાસો આપતા જણાવ્યું હતું કે, આવી બેદરકારી અમારા ધ્યાન પર આવશે તો સંબંધિત વિભાગના એચઓડી (HOD)ને લેખિતમાં સૂચના આપી તેમની સામે પણ કડક પગલાં લેવામાં આવશે. બની શકે કે સંબંધિત અધિકારી કોઈ કામસર કમિશનર સાહેબ અથવા અન્ય ઉચ્ચ અધિકારી પાસે ગયા હોય, પરંતુ જો કચેરી સમય દરમિયાન કે પછી એસી-લાઇટો સતત ચાલુ રહેતી હોવાનું સાબિત થશે, તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે.
Read Original Article →