મહેસાણા મનપા માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો:'કોંગ્રેસનું કમિટમેન્ટ' નામે 11 મુદ્દા સમાવ્યા, નવા ગાર્ડનથી લઈ સ્વિમિંગપૂલ અને જીમ બનાવવાનું વચન
મહેસાણા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે.ત્યારે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મતદારોને આકર્ષવા માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. 'કોંગ્રેસનું કમિટમેન્ટ' શીર્ષક હેઠળ જાહેર કરાયેલા આ મેનિફેસ્ટોમાં શહેરના સર્વાંગી વિકાસ માટે 11 મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ લોન્ચિંગ પ્રસંગે સીડબલ્યુસી મેમ્બર જગદીશ ઠાકોર, જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર અને પ્રવક્તા યુવરાજસિંહ રાણા સહિતના દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસે આ મેનિફેસ્ટો દ્વારા શહેરની વર્ષો જૂની સમસ્યાઓના ઉકેલની ખાતરી આપી છે. જેમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા રાધનપુર ચોકડી પર ઓવરબ્રિજ બનાવવાનું વચન સૌથી મહત્વનું છે. આ ઉપરાંત શહેરના તમામ વિસ્તારોમાં પાર્કિંગની વ્યવસ્થા માટે સર્વે કરવાની અને પીવાનું શુદ્ધ પાણી સવાર-સાંજ બે સમય પૂરૂં પાડવાની જાહેરાત કરવામાં આવી છે. શહેરમાં ગંદકી અને પાણીના નિકાલ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વહેલી તકે કાર્યરત કરવાનું કમિટમેન્ટ પણ પક્ષ દ્વારા આપવામાં આવ્યું છે. આ ચૂંટણી ઢંઢેરામાં જીવદયા અને પશુ ચિકિત્સા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કોંગ્રેસે સત્તામાં આવતા જ ગૌ-માતાની સારવાર માટે અલગ હેલ્પલાઈન, 24 કલાક કાર્યરત પશુ દવાખાનું અને પશુ એમ્બ્યુલન્સની સેવા શરૂ કરવાનું વચન આપ્યું છે. નવા ગાર્ડનથી લઈ સ્વિમિંગપૂલ અને જીમ બનાવવાનું વચન
મનોરંજન અને સુવિધાઓની વાત કરીએ તો, શહેરમાં નવા બાગ-બગીચા, આધુનિક જિમ, સ્વિમિંગ પૂલ, બાળકો માટે ટોડલર ઝોન અને જિલ્લા કક્ષાનું પ્રાણી સંગ્રહાલય બનાવવાની વાત કહી છે. સુરક્ષાના હેતુથી છેવાડાના વિસ્તારોમાં પોલીસ ચોકી માટે જમીન ફાળવવાનો મુદ્દો પણ મેનિફેસ્ટોમાં આવરી લેવાયો છે. કોંગ્રેસના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વચનો માત્ર કાગળ પર નહીં રહે, પરંતુ સત્તામાં આવતાની સાથે જ તેને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવામાં આવશે. *મેનિફેસ્ટોના 11 મુદા નીચે પ્રમાણે છે* (1)સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (S.T.P) તાત્કાલીક શરૂ કરી ગંદકીનું નિરાકરણ લાવીશું. (2)હેસાણાનાં તમામ વિસ્તારોનો સર્વે કરી પાર્કિંગની સમસ્યાનું કાયમી સમાધાન લાવીશું. (3)મહેસાણા શહેરનાં અને મહાનગરપાલિકામાં વિલીન થયેલા ગ્રામીણ વિસ્તારમા નવીન બાગ, રમત-ગમતના મેદાનો, જિમ અને સ્વિમિંગ પુલની સુવિધાઓ ઊભી કરીશું. (4) મહાનગપાલિકાના તમામ ગામ તેમજ સીટી વિસ્તારમાં પીવાનું ચોખ્ખું પાણી સવારે અને સાંજે એમ બે વખત પહોંચાડીશું. (5)છેવાડાનાં ગામોને આવરી લેવાતા વિસ્તારમાં પોલીસ ચોકી બનાવા માટે જમીન ફાળવીશું. (6)રાધનપુર ચોકડી ઉપર ઓવરબ્રીજ બનાવીશું. (7)મહાનગરપાલિકના તમામ બાગ બગીચામાં નાના બાળકો માટે અલગથી રમત-ગમતના સાધનો મૂકી ટોડલર ઝોન બનાવીશું. (8)મહાનગરપાલિકા વિસ્તાર માટે સરકારી 24/7 કાર્યરત પશુ દવાખાનું બનાવડાવીશું. સાથે જ અલગથી પશુ એમ્બ્યુલન્સની સુવિધા પણ ઊભી કરીશું. (9)પશુ ચિકિત્સા માટે અદ્યતન મશીનરી વસાવીશું. (10)ગૌ-માતાની ચિકિત્સા માટે અલગ હેલ્પલાઈન લાવીશું. (11)શહેરમાં જિલ્લા કક્ષાનું મોટું પ્રાણી સંગ્રહાલય (Z00) બનાવીશું તેમજ વિવિધ આયુર્વેદિક વૃક્ષોની વાવણી કરી નવી પેઢી ઔષધો પ્રત્યે જાગૃત થાય તેવો પ્રયત્ન કરીશું.
Read Original Article →