મહેસાણાના મેયર સોનલબેન ઓઝાની અનોખી પહેલ:સન્માનમાં શાલ કે બુકેના બદલે અનાજની કીટ આપવા મુલાકાતીઓને અપીલ
મહેસાણા મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર સોનલબેન ઓઝાએ સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા અને ગરીબોની સેવા કરવા માટે એક અત્યંત પ્રશંસનીય અને પ્રેરણાદાયી નિર્ણય લીધો છે. સામાન્ય રીતે કોઈપણ રાજકીય પદાધિકારી કે ઉચ્ચ અધિકારીની મુલાકાત વખતે લોકો પરંપરાગત રીતે શાલ ઓઢાડીને અથવા મોંઘા ફૂલોના બુકે આપીને તેમનું સ્વાગત-સન્માન કરતા હોય છે. જોકે, મેયર સોનલબેન ઓઝાએ આ રૂઢિચુસ્ત પરંપરાને તિલાંજલિ આપીને મુલાકાતીઓને પોતાનું સ્વાગત શાલ કે બુકેથી ન કરવા સત્તાવાર વિનંતી કરી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની પહેલથી પ્રેરિત નિર્ણય
પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા અગાઉ શરૂ કરાયેલી 'શાલ અને બુકેના સ્થાને વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ' કરવાની સેવાકીય પ્રવૃત્તિથી પ્રેરિત થઈને મેયર સોનલબેન ઓઝાએ આ નવો રાહ ચીંધ્યો છે. તેમણે જાહેર જનતા અને તમામ મુલાકાતીઓને નમ્ર અપીલ કરી છે કે, જ્યારે પણ તેઓ ઓફિસે મુલાકાત માટે અથવા સન્માન કરવા આવે ત્યારે મોંઘા બુકે ખરીદવાના બદલે પોતાની યથાશક્તિ મુજબ અનાજની નાની કીટ લઈને આવે. એકત્રિત થયેલી અનાજની કીટ ગરીબ પરિવારો સુધી પહોંચાડવા આયોજન
આ અનોખી પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના ગરીબ અને વંચિત પરિવારોની જઠરાગ્નિ ઠારવાનો છે. મુલાકાતીઓ દ્વારા સન્માનસ્વરૂપે મળનારી આ તમામ અનાજની કીટોને વ્યવસ્થિત રીતે એકત્રિત કરીને શહેરના અત્યંત જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવામાં આવશે, જેથી તેમના ઘરમાં ભોજનની સુંદર વ્યવસ્થા થઈ શકે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ યોજાયેલા તેમના એક સન્માન સમારોહ દરમિયાન પણ આવી જ સરાહનીય પહેલ કરવામાં આવી હતી, જેના પરિણામે આશરે 30થી 40 જેટલા ગરીબ પરિવારો સુધી અનાજની કીટ પહોંચાડીને વાસ્તવિક મદદ કરી શકાઈ હતી. મેયરના આ સંવેદનશીલ અને માનવતાવાદી નિર્ણયને મહેસાણાના નગરજનો અને લોકમુખે વ્યાપક આવકાર મળી રહ્યો છે.
Read Original Article →