મહેસાણા મનપાના સૂકાનીઓની વરણી:સોનલ ઓઝા બન્યા પ્રથમ મેયર, રમેશ રાજપૂતના શિરે ડેપ્યુટી મેયરનો તાજ
મહેસાણા મહાનગરપાલિકાના મેયર,ડેપ્યુટી મેયર સહિતના મહત્વના હોદ્દાઓ માટે આજે પ્રથમ સામાન્ય સભા પૂર્વે મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે એક અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જ ભાજપ દ્વારા મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મહેસાણા મહાનગરપાલિકાના સર્વપ્રથમ મેયર તરીકે સોનલબેન ઓઝાના નામ પર મહોર મારવામાં આવી હતી. આ ઉપરાંત, ડેપ્યુટી મેયર તરીકે રમેશભાઈ રાજપૂત, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દિપક પટેલ, શાસક પક્ષના નેતા તરીકે વિશાલ ઠાકોર અને દંડક તરીકે અનિલ દેસાઈના નામોની જાહેરાત પક્ષ કાર્યાલય ખાતેથી કરવામાં આવી હતી. ભાજપ કાર્યાલય ખાતે નામો નક્કી થયા બાદ મહેસાણા મહાનગરપાલિકાના ટાઉનહોલ ખાતે નવા ચૂંટાયેલા કોર્પોરેટરોની પ્રથમ સભા યોજાઈ હતી, જેમાં મેયર અને ડેપ્યુટી મેયર સહિતના હોદ્દાઓ માટેની વૈધાનિક ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. માત્ર 34 વર્ષની ઉંમરમાં મહેસાણાના પ્રથમ મેયર બન્યા
મહેસાણાના પ્રથમ નાગરિક એટલે કે મેયર બનવાનું બહુમાન મેળવનાર સોનલબેન ઓઝા માત્ર 34 વર્ષના ગૃહિણી છે. તેઓ B.A., B.Ed. સુધીનો ઉચ્ચ શૈક્ષણિક અભ્યાસ ધરાવે છે અને રસપ્રદ વાત એ છે કે તેઓ પ્રથમ વખત જ ચૂંટણી લડીને સીધા આ પ્રતિષ્ઠિત પદ સુધી પહોંચ્યા છે. બીજી તરફ, ડેપ્યુટી મેયર તરીકે નિયુક્ત થયેલા ૫૬ વર્ષીય રમેશભાઈ રાજપૂત B.A., LL.B. ની લાયકાત ધરાવે છે અને પોતાનો એન્જિનિયરિંગ વર્કશોપનો વ્યવસાય ચલાવે છે. રમેશભાઈ રાજકીય ક્ષેત્રે બહોળો અને સમૃદ્ધ અનુભવ ધરાવે છે. તેઓ અગાઉ ત્રણ વખત હેબુવા ગામના સરપંચ રહી ચૂક્યા છે, તેમજ મહેસાણા તાલુકા મંત્રી, જિલ્લા કિસાન મોરચાના મંત્રી અને તાલુકા-જિલ્લા સંગઠનમાં લાંબા સમયથી સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.મહાનગરપાલિકાના આ નવા સુકાનીઓ આગામી સમયમાં શહેરના વિકાસ કાર્યોને વેગ આપશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
Read Original Article →