પનીર બાદ હવે ભેળસેળવાળો ગોળ:રસમલાઈ અને પોપટ છાપ બ્રાન્ડના ગોળના નમૂના પરીક્ષણમાં ફેઈલ, તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી

Gujarat4/5/2026, 9:32:33 AM
પનીર બાદ હવે ભેળસેળવાળો ગોળ:રસમલાઈ અને પોપટ છાપ બ્રાન્ડના ગોળના નમૂના પરીક્ષણમાં ફેઈલ, તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી
મહેસાણા જિલ્લા ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી એક વિશેષ તપાસમાં જાણીતી બ્રાન્ડના ગોળના નમૂના ગુણવત્તાના ધોરણો પર ખરા ઉતર્યા નથી. બજારમાં વેચાતી 'રસમલાઈ' અને 'પોપટ છાપ' જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડના ગોળમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક અને પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરની હાજરી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે ફૂડ વિભાગે કડક વલણ અપનાવીને શહેરમાં આ બ્રાન્ડના ગોળનું વેચાણ કરતા બે મુખ્ય ડિસ્ટ્રીબ્યુટર પેઢીઓ સામે કોર્ટ કાર્યવાહીની પ્રક્રિયા તેજ કરી છે. હરિક્રિષ્ણા માર્કેટિંગમાંથી 4 અને રામકૃષ્ણ માર્કેટની પેઢીના 2 નમૂના ફેઈલ છેલ્લા બે મહિનાથી જિલ્લા ફૂડ અધિકારી વિપુલ ચૌધરી અને તેમની ટીમ દ્વારા દેશી તેમજ સફેદ ગોળમાં ભેળસેળ અંગે ગુપ્ત બાતમીના આધારે સર્વે કરવામાં આવી રહ્યો હતો. આ તપાસના ભાગરૂપે ડેડિયાસણ GIDCમાં આવેલી હરિક્રિષ્ણા માર્કેટિંગ અને માલ ગોડાઉન રોડ પર આવેલી પટેલ સતીશકુમાર મોહનલાલની પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. હરિક્રિષ્ણા માર્કેટિંગમાંથી લેવાયેલા 6 નમૂના પૈકી 4 નમૂના અને રામકૃષ્ણ માર્કેટની પેઢીના 2 નમૂના લેબોરેટરી પરીક્ષણમાં નાપાસ જાહેર થયા છે. ગોળમાં કોઈપણ પ્રકારના કૃત્રિમ કલરનો ઉપયોગ કરવો ગુનો છે જિલ્લા ફૂડ અધિકારી વિપુલ ચૌધરીના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે ગ્રાહકો જેને કેમિકલ મુક્ત દેશી ગોળ માનીને ખરીદે છે, તેને આકર્ષક બ્રાઉન રંગ આપવા માટે અને સફેદ ગોળને વધુ ચમકદાર બનાવવા માટે વેપારીઓ સિન્થેટિક ફૂડ કલરનો ઉપયોગ કરતા હોય છે. ખાદ્ય સુરક્ષાના કાયદા મુજબ ગોળમાં કોઈપણ પ્રકારના કૃત્રિમ કલરનો ઉપયોગ કરવો ગુનો છે. પ્રાથમિક તપાસમાં ખાનગી લેબોરેટરીમાં નમૂના ફેલ થયા બાદ હવે તંત્ર દ્વારા અન્ય બ્રાન્ડના ગોળના જથ્થા પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં ગોળના વેચાણ એકમો પર તપાસનો દરોડો લંબાવવામાં આવશે એવી શક્યતા છે.
Read Original Article →