મહેસાણાના વહીવટી માળખામાં મોટો ફેરફાર:શાલિની દુહાન નવા મ્યુનિસિપલ કમિશનર, અંચુ વિલ્સન બન્યા DDO
રાજ્ય સરકાર દ્વારા મહેસાણા જિલ્લાના વહીવટી માળખામાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. સરકારના તાજેતરના આદેશ મુજબ, ઉચ્ચ કક્ષાના IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો જાહેર કરવામાં આવી છે. આ ફેરબદલ અંતર્ગત મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પંચાયત અને UGVCL જેવી મહત્વની સંસ્થાઓને નવા સુકાનીઓ મળ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતમાં નિમણૂક
મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશનર તરીકે શાલિની દુહાનની નિમણૂક કરવામાં આવી છે. તેમની નિમણૂકથી શહેરના વિકાસકાર્યો અને વહીવટી કામગીરીને નવી ગતિ મળશે તેવી અપેક્ષા છે. તો મહેસાણાના નવા જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે અંચુ વિલ્સનની વરણી કરવામાં આવી છે. મહેસાણાના માજી DDO જાસ્મિન હસરતની ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. તેઓ હવે ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA)ના CEO તરીકે કાર્યભાર સંભાળશે. UGVCLના વહીવટમાં ફેરફાર
ઉત્તર ગુજરાત વીજ કંપની લિ. (UGVCL)ના મેનેજમેન્ટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. UGVCLના મેનેજિંગ ડિરેક્ટર (MD) એન.એફ. ચૌધરીની બદલી વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે કરવામાં આવી છે. તેમના સ્થાને હવે UGVCLના મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો હવાલો ગૌરાંગભાઈ એચ. મકવાણાને સોંપવામાં આવ્યો છે. આ વહીવટી ફેરફારોથી મહેસાણા જિલ્લા અને શહેરની વિકાસલક્ષી કામગીરીમાં નવી ઉર્જા જોવા મળશે તેવું માનવામાં આવી રહ્યું છે.
Read Original Article →