દૂધસાગર ડેરી પાસે હાઇવે પર હિટ એન્ડ રન:રાજસ્થાન પાસિંગના પીકઅપ ડાલાએ રિક્ષાને જોરદાર ટક્કર મારી, અંબાજીપરા વિસ્તારના આધેડનું કરૂણ મોત

Gujarat5/19/2026, 3:39:02 PM
દૂધસાગર ડેરી પાસે હાઇવે પર હિટ એન્ડ રન:રાજસ્થાન પાસિંગના પીકઅપ ડાલાએ રિક્ષાને જોરદાર ટક્કર મારી, અંબાજીપરા વિસ્તારના આધેડનું કરૂણ મોત
મહેસાણા શહેરમાં દૂધસાગર ડેરી પાસે હાઇવે પર આજે 19મેએ વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરઝડપે આવી રહેલા એક મહિન્દ્રા મેક્સ પીકઅપ ડાલાના ચાલકે આગળ જઈ રહેલી સીએનજી રીક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજા થતા રીક્ષા ચાલક આધેડનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જીને ભાગી છૂટેલો ડાલાનો ચાલક બાદમાં પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો હતો. પીકઅપ ડાલાએ રિક્ષાને ટક્કર મારી મળતી માહિતી મુજબ મહેસાણાની ઊંડીફળી અંબાજીપરા વિસ્તારમાં રહેતા 49 વર્ષીય અજીતસીંહ ઠાકોર સીએનજી રીક્ષા (નંબર GJ-02-YY-4991) ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજે વહેલી સવારે પોણા સાતેક વાગ્યાના સુમારે તેઓ પોતાની રીક્ષા લઈને ધંધાર્થે નીકળ્યા હતા. તે દરમિયાન હાઇવે રોડ પર દૂધસાગર ડેરીથી રાધનપુર ચોકડી તરફ જતા હતા, ત્યારે અભય હોસ્પિટલની સામે પાછળથી આવી રહેલા એક મહિન્દ્રા મેક્સ પીકઅપ ડાલાના (નંબર RJ-54-GA-1517) ચાલકે પોતાની ગાડી ગફલતભરી રીતે હંકારી રીક્ષાને પાછળથી ભયાનક ટક્કર મારી દીધી હતી. હોસ્પિટલ પહોંચતા આધેડને મૃત જાહેર કર્યાં ટક્કર એટલી જોરદાર હતી કે રીક્ષા રોડની બાઉન્ડ્રી સાથે અથડાઈ ગઈ હતી અને અજીતસીંહ રોડ પર પટકાતા તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાસ્થળે હાજર મૃતકના મિત્રએ તાત્કાલિક તેમને બેભાન અવસ્થામાં સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. રાજસ્થાન પાસિંગના પીકઅપ ડાલાના ચાલક સામે ફરિયાદ આ ઘટના અંગે મૃતકના મોટા પુત્ર ભરતસીંહ ઠાકોરે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર રાજસ્થાન પાસિંગના પીકઅપ ડાલાના ચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →