દૂધ ભરાવવા જતાં પશુપાલકને અર્ટિગા ગાડીએ ટક્કર મારી:ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો, બૂમાબૂમ થતાં ચાલક નાસી છૂટ્યો; લાખવડ રોડ પર હિટ એન્ડ રન
મહેસાણાના અયોધ્યા નગર વિસ્તારમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા 50 વર્ષીય લાલજીભાઈ રબારી 2 એપ્રિલ 2026ના રોજ સાંજે સાતેક વાગ્યાના અરસામાં પોતાના એક્ટિવા નંબર GJ-18-FD-9123 પર દૂધ ભરાવવા માટે લાખવડ ગામની સહકારી મંડળીમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન લાખવડ રોડ પર આવેલા પશુ દવાખાના પાસેથી પસાર થતી વખતે ત્યાંથી અચાનક પૂરઝડપે બહાર આવેલી એક સફેદ કલરની અર્ટિગા ગાડીએ નંબર GJ-24-X-6632 તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. પશુપાલકને અર્ટિગા ગાડીએ ટક્કર મારતાં ગંભીર ઈજાઓ થઈ
આ અકસ્માતમાં લાલજીભાઈ રોડ પર પટકાતા તેમને ડાબા હાથની કોણી, ડાબા પગે ઘૂંટણથી એડી સુધીના ભાગે તેમજ કમરમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી અર્ટિગા ગાડીનો ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત લાલજીભાઈએ બૂમાબૂમ કરતા પડોશમાં રહેતા નીતિનભાઈ રબારી દોડી આવ્યા હતા અને અન્ય પરિચિતોને જાણ કરી હતી.ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તને મહેસાણાની પાર્શ્વ સ્પાઇન ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અર્ટિગા ચાલક સામે ગુનો નોંધાયો
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લાલજીભાઈએ મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા અર્ટિગા ગાડીના ચાલક વિરુદ્ધ ગફલતભરી રીતે વાહન ચલાવી અકસ્માત સર્જવા બદલ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Read Original Article →