કાળઝાળ ગરમી સામે આરોગ્ય વિભાગ સજ્જ:ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં 52 સ્થળોએ ORS કેન્દ્રો શરૂ કરાયા

Gujarat5/15/2026, 10:30:21 AM
કાળઝાળ ગરમી સામે આરોગ્ય વિભાગ સજ્જ:ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં 52 સ્થળોએ ORS કેન્દ્રો શરૂ કરાયા
રાજ્યમાં અત્યારે 42થી 45 ડિગ્રી જેટલા ઊંચા તાપમાન સાથે કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હીટવેવની ગંભીર અસરોથી નાગરિકોને બચાવવા માટે મહેસાણા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા સઘન આયોજન હાથ ધરવામાં આવ્યું છે. હીટસ્ટ્રોકનો ભોગ બનનાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અને રાહત મળી રહે તે હેતુથી સમગ્ર તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હોસ્પિટલોમાં ખાસ બેડ સહિતની સુવિધાઓ ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી સુહાગ શ્રીમાળીએ આ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, મહેસાણા તાલુકામાં આરોગ્યના કુલ 69 સ્થળો જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો અને CHCનો સમાવેશ થાય છે, ત્યાં લોકો માટે ORS યુક્ત પાણી અને બેસવા માટે શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીની અસર પામેલા દર્દીઓને જો તાત્કાલિક દવાની કે ડે-કેરની જરૂરિયાત ઊભી થાય તો તેના માટે હોસ્પિટલોમાં ખાસ બેડ સહિતની તબીબી સુવિધાઓ પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. 52 સ્થળોએ ORS કેન્દ્રો ઊભા કરાયા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની અવરજવર વધુ હોય તેવા જાહેર સ્થળો જેવા કે એસટી બસ સ્ટેન્ડ, એસટી ડેપો અને મુખ્ય ચાર રસ્તાઓ સહિત કુલ 52 સ્થળોએ ORS કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. બીજી તરફ, મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં પણ વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરી વિસ્તારના 24 જેટલા હેલ્થ સેન્ટર્સ, જેમાં પેટા આરોગ્ય કેન્દ્રો અને આંગણવાડી કેન્દ્રોનો સમાવેશ થાય છે, ત્યાં આ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. આ ઉપરાંત શહેરના 15 જેટલા જાહેર સ્થળો અને પાલિકાના 15 વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ખાતે પણ ORS યુક્ત પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્રનું ગર્મી સામે સુરક્ષા કવચ પૂરું સરકાર અને આરોગ્ય વિભાગના આ સંયુક્ત પ્રયાસોનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, દિવસ દરમિયાન જો કોઈ નાગરિકને ડિહાઈડ્રેશનની તકલીફ થાય, તો તેને તાત્કાલિક હાઈડ્રેશન અને જરૂરી મેડિકેશન મળી રહે, જેથી હીટ સ્ટ્રોક જેવી ગંભીર સ્થિતિને નિવારી શકાય. આમ, વહીવટી તંત્ર દ્વારા એસટી બસ સ્ટેશન, પાણીના પરબ, અર્બન સેન્ટરો અને આયુષ્માન મંદિરો જેવા તમામ મહત્વના સ્થળોને આવરી લઈને ગરમી સામે સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
Read Original Article →