ચોમાસામાં વાહકજન્ય રોગો અટકાવવા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં:GIDC અને કન્સ્ટ્રક્શન સાઇટો પર ચેકિંગ, બેદરકારી બદલ થશે કાયદેસરનો દંડ
ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ રાજ્યમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોનો ફેલાવો થવાની સંભાવના વધી જતી હોય છે. આ સ્થિતિને ધ્યાને લઈ મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રોગ અટકાયતી કામગીરી અત્યારથી જ સઘન બનાવી દેવામાં આવી છે. જિલ્લામાં મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે કન્સ્ટ્રક્શન સાઇટ અને GIDC સહિતના જોખમી એકમોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. 8 જૂન સુધી તમામ મેડિકલ ઓફિસર અને સુપરવાઈઝર ઓન-ફિલ્ડ રહેશે
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા મેલેરિયા અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ મેડિકલ ઓફિસર અને સુપરવાઈઝર દ્વારા 8 જૂન સુધી ફરજિયાતપણે પોતાના વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) તેમજ શહેરી આરોગ્ય કેન્દ્ર (UHC) ના કાર્યક્ષેત્રમાં આવતી તમામ જગ્યાઓની મુલાકાત લેવામાં આવી રહી છે. આ ખાસ તપાસ ઝુંબેશ અંતર્ગત તમામ જોખમી એકમો, કન્સ્ટ્રક્શન સાઇટ, ખાનગી કંપનીઓ, GIDC એકમો, ટાયર પંચરની દુકાનો, નર્સરી, ભંગારની દુકાનો, વોટરપાર્ક તથા પાણી ભરાવાની શક્યતા વાળા તમામ સ્થળોને આવરી લેવામાં આવ્યા છે. પોરા જોવા મળશે તો કાયદેસરનો દંડ વસૂલાશે
આ મુલાકાતો દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ એકમો ખાતે મચ્છર ઉત્પત્તિના સ્થાનોની ઝીણવટભરી ચકાસણી કરીને પોરાનાશક (એન્ટી-લાડવા) કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે જ જે તે એકમના કર્મચારીઓને રોગ અટકાવવા અંગેનું જરૂરી આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. વાહકજન્ય રોગ અટકાયત અધિનિયમ હેઠળ સંબંધિત એકમોને નોટિસ પાઠવી કડક તાકીદ કરવામાં આવી રહી છે કે ભવિષ્યમાં ફરીથી મુલાકાત દરમિયાન જો મચ્છરના પોરા જોવા મળશે તો તેમની પાસેથી કાયદેસરનો દંડ વસૂલ કરવામાં આવશે. છેલ્લા 3 વર્ષમાં આરોગ્ય વિભાગે વસૂલેલો દંડ નાગરિકોને પાણીનો ભરાવો ન કરવા અપીલ
આરોગ્ય વિભાગ દ્વારા તમામ નાગરિકોને પણ નમ્ર અપીલ કરવામાં આવી છે કે ચોમાસા દરમિયાન રોગચાળો અટકાવવા માટે તેઓ પોતાના ઘર તથા આસપાસના વિસ્તારમાં ક્યાંય પણ પાણીનો ભરાવો ન થવા દે. ખાસ કરીને ઘરના કુલર, પક્ષીકુંજ, જૂના ટાયર, ભંગાર તેમજ મકાનની છત પર પડેલા ખાલી ડબ્બા વગેરેમાં વરસાદી પાણી ભરાઈ ન રહે તેની પૂરતી તકેદારી રાખે જેથી મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળો અટકાવી શકાય.
Read Original Article →