લ્યો બોલો... સાયબર ક્રાઈમ પોલીસનું જ નકલી ઇ-મેઈલ બન્યું:ફેક આઈડીથી બેંકો પાસેથી રિફંડ પડાવવાનો કારસો; મહેસાણામાં ઋષભ પટવા સામે ગુનો દાખલ
મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા ASI પ્રિયંકાબેન ચૌધરીએ એક શાતિર શખ્સ સામે પોલીસનું જ નકલી સરકારી ઈમેઈલ આઈડી બનાવી બેંકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવા બદલ ફરિયાદ નોંધાવી છે. આરોપીએ ઓફિશિયલ ગવર્મેન્ટ ડોમેન જેવું જ દેખાતું ફેક આઈડી બનાવીને બેંકો પાસેથી રિફંડ મેળવવાના બદઈરાદાથી આ આખો કારસો રચ્યો હતો. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે શખ્સ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બેંકના એક મેઈલના કારણે નકલી આઈડીનો ભાંડો ફૂટ્યો
બનાવની વિગત એવી છે કે, મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના સાયબર ક્રાઈમ ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતા એ.એસ.આઈ. પ્રિયંકાબેન ગત 28 એપ્રિલ, 2026ના રોજ ઓફિસમાં બેંક રિફંડને લગતી માહિતી તૈયાર કરી રહ્યા હતા. તે દરમિયાન પોલીસના સત્તાવાર સરકારી ઈમેઈલ આઈડી પર ઈન્ડિયન ઓવરસીઝ બેંક તરફથી એક સજાગતા પૂર્વકનો મેઈલ પ્રાપ્ત થયો હતો. આ મેઈલમાં બેંકે પોલીસને જાણ કરી હતી કે, તેમને sp-cybercrime-gj@guj-police.com નામના આઈડી પરથી એક શંકાસ્પદ મેઈલ મળ્યો છે, જે ગવર્મેન્ટ ડોમેનનો નથી. વેબ હોસ્ટિંગ પ્લેટફોર્મની તપાસમાં હોસ્ટિંગરનું કનેક્શન ખુલ્યું
પોલીસના નામે નકલી મેઈલ આઈડી સક્રિય હોવાની બાબત સામે આવતા જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ત્વરિત ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે આ નકલી સરકારી ઈમેઈલ આઈડી 'હોસ્ટિંગર ઈન્ટરનેશનલ લિમિટેડ' (Hostinger International Limited) નામના જાણીતા વેબ હોસ્ટિંગ પ્લેટફોર્મ પરથી ખરીદીને બનાવવામાં આવ્યું હતું. સાયબર ક્રાઈમે આ ફેક આઈડી ખરીદનારની વિગતો, લોગ-ઈન આઈપી, મોબાઈલ નંબર અને પેમેન્ટ હિસ્ટ્રી મંગાવતા જ આખો ભાંડો ફૂટી ગયો હતો. આરોપી ઋષભ પટવાએ 1 એપ્રિલે ખરીદ્યું હતું આઈડી
ટેકનિકલ ડેટાના આધારે બહાર આવ્યું હતું કે, આ નકલી આઈડી ઋષભ પટવા નામના વ્યક્તિએ પોતાના પર્સનલ જીમેઈલ આઈડી rushabh.patwa30@gmail.com અને મોબાઈલ નંબર 7064644546નો ઉપયોગ કરીને ગત 1 એપ્રિલ, 2026ના રોજ ખરીદ્યું હતું. આરોપીએ ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ આઈડી દ્વારા આ ડોમેન માટે ચૂકવણું કર્યું હતું. આરોપી ઋષભ પટવાએ ખોટું સરકારી ઈમેઈલ આઈડી બનાવી, નકલી પોલીસ અધિકારી કે પોલીસ સ્ટેશનની ઓળખ આપીને બેંકોને ડરાવી કે છેતરીને રિફંડ મેળવવાનો કારસો રચ્યો હતો. બેંકોને ગેરમાર્ગે દોરી મોટી નાણાકીય છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવા બદલ મહેસાણા પોલીસે આ મામલે હાલમાં કડક કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
--------------------
Read Original Article →