મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીના જામીન સેશન્સ કોર્ટે ફગાવ્યા:શોભાસણ બ્રિજ પાસેથી 9.83 લાખના મુદ્દામાલ સાથે દબોચાયો હતો

Gujarat4/10/2026, 12:23:11 PM
મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીના જામીન સેશન્સ કોર્ટે ફગાવ્યા:શોભાસણ બ્રિજ પાસેથી 9.83 લાખના મુદ્દામાલ સાથે દબોચાયો હતો
મહેસાણા-હિંમતનગર હાઈવે પર શોભાસણ બ્રિજ પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપી જાવેદખાન અહેમદખાન કુરેશીની જામીન અરજી મહેસાણા સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. યુવાધનને નશાના માર્ગે ધકેલતા આ ગંભીર ગુનાની ગંભીરતા અને સરકારી વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી સેશન્સ જજ એમ.એફ.ખત્રીએ આરોપીને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઈનકાર કર્યો છે. 98.33 ગ્રામ ડ્રગ્સ સાથે શખસ ઝડપાયો હતો આ કેસની વિગત મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે મહેસાણા-હિંમતનગર રોડ પર શોભાસણ બ્રિજ પાસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસ ટીમે 98.33 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 9,83,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગુનામાં આરોપી જાવેદખાન કુરેશી સહિત અન્ય શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી જેલવાસ ભોગવી રહેલા આરોપી જાવેદખાન કુરેશીએ નિયમિત જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર દવેએ કોર્ટમાં ભારપૂર્વક રજૂઆત કરી હતી કે આરોપી પાસે થી વ્યાપારી માત્રામાં નશાકારક દ્રવ્યો મળી આવ્યા છે.જે સમાજ અને ખાસ કરીને યુવા પેઢી માટે અત્યંત જોખમી છે.આવા ગંભીર પ્રકારના ગુનામાં જો આરોપીને જામીન આપવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જાય તેમ છે. સેશન્સ કોર્ટે આરોપીના જામીન ફગાવ્યા બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મહેસાણા સેશન્સ જજ એમ.એફ. ખત્રીએ સરકારી વકીલની દલીલો સાથે સહમત થઈ આરોપીની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો. આ ચુકાદાથી નશાના કારોબાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Read Original Article →