પટ્ટાવાળાએ વોર્ડ-13ના ઉમેદવાર તરીકે ભાજપમાંથી ફોર્મ ભર્યું:છેલ્લા 28 વર્ષથી જિલ્લા ભાજપ કાર્યાલયમાં ફરજ બજાવતા હતા, પક્ષ પ્રત્યેની વફાદારી અને સમર્પણથી લોટરી લાગી

Gujarat4/11/2026, 7:52:24 AM
પટ્ટાવાળાએ વોર્ડ-13ના ઉમેદવાર તરીકે ભાજપમાંથી ફોર્મ ભર્યું:છેલ્લા 28 વર્ષથી જિલ્લા ભાજપ કાર્યાલયમાં ફરજ બજાવતા હતા, પક્ષ પ્રત્યેની વફાદારી અને સમર્પણથી લોટરી લાગી
મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. આજે 11 એપ્રિલે મહાનગરપાલિકા, પાંચ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને 10 તાલુકા પંચાયત માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ઉમેદવારો અને સમર્થકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જ્યારે સૌથી વધુ ચર્ચા વોર્ડ નંબર 13ના ઉમેદવાર રમેશભાઈ ભીલની થઈ રહી છે. જેઓ જિલ્લા ભાજપ કાર્યાલયમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા હતા તમેને ભાજપે ટિકિટ આપી સૌને ચોકાવ્યા છે. 52 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યાં મહેસાણા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતેથી મહાનગરપાલિકાના 52 ઉમેદવારો ઢોલ-નગારાના ગડગડાટ અને ભવ્ય રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ભાજપના ઉમેદવારોએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે વિજયના વિશ્વાસ સાથે નામાંકન પત્ર દાખલ કર્યા હતા. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વ્યક્તિગત રીતે અથવા જૂજ સમર્થકો સાથે ફોર્મ ભરતા જોવા મળ્યા હતા. જિલ્લા કાર્યાલયના પટ્ટાવાળાને ભાજપની ટિકિટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં એક એવા નામની પસંદગી કરવામાં આવી છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે.પક્ષે કોઈ મોટા ગજાના નેતાને બદલે છેલ્લા 28 વર્ષથી મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલયમાં પટ્ટાવાળા તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા રમેશભાઈ ભીલ પર વિશ્વાસ મૂકીને તેમને વોર્ડ નંબર 13માંથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. માત્ર 25 વર્ષની ઉંમરે ભાજપમાં જોડાયા હતા રમેશભાઈની આ સફર અત્યંત સંઘર્ષમય રહી છે. માત્ર 25 વર્ષની ઉંમરે જ્યારે તેઓ ભાજપ કાર્યાલયમાં જોડાયા ત્યારે તેમનો માસિક પગાર માત્ર 500 રૂપિયા હતો. આજે 50 વર્ષની વયે પહોંચેલા રમેશભાઈ માત્ર 10 પાસ છે. પરંતુ તેમની પક્ષ પ્રત્યેની વફાદારી અને સમર્પણ કોઈપણ ડિગ્રી કરતા ઊંચું સાબિત થયું છે. તેઓ હાલમાં સોમનાથ રોડ પર આવેલા વાલ્મિકી નગરમાં પોતાના પિતા અને પત્ની સાથે સાદગીપૂર્ણ જીવન જીવે છે. શિક્ષિત પરિવાર અને સાદું જીવન રમેશભાઈના પત્ની આશાબેન ભીલ મહેસાણાની કર્વે સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. આ દંપતીને સંતાન નથી, પરંતુ સેવાભાવ તેમના જીવનનો મુખ્ય મંત્ર રહ્યો છે. નાની ઉંમરે આર્થિક તંગી અને અનેક કપરા દિવસો જોયા હોવા છતાં, રમેશભાઈએ ક્યારેય પોતાની ફરજમાં કચાસ રાખી નહોતી. નાના કાર્યકરોને પ્રાત્સાહન મળશે પોતાના નામની જાહેરાત થતા જ રમેશભાઈ ભાવુક થઈ ગયા હતા. તેમણે આ તકે પક્ષના મોવડીમંડળનો આભાર માનતા જણાવ્યું હતું કે, ભાજપે મારા જેવા સામાન્ય કાર્યકર અને પટાવાળાની કદર કરી છે તે બદલ હું ખૂબ જ ઋણી છું. ભાજપના આ નિર્ણયની સ્થાનિક સ્તરે ખૂબ પ્રશંસા થઈ રહી છે. કારણ કે તે સાબિત કરે છે કે રાજકારણમાં માત્ર હોદ્દો નહીં પણ વર્ષોની સેવા અને વફાદારી પણ મહત્વ રાખે છે. રમેશ ભીલની આ ટિકિટ અન્ય નાના કાર્યકરો માટે પ્રોત્સાહનનું પ્રતીક બની રહેશે.
Read Original Article →