મહેસાણામાં 'જનસેવા સંકલ્પ સભા' સાથે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન:ચુડાસમાએ કહ્યું કે, કાર્યકર જનસંઘના સમયથી જ જનતાને સમર્પિત રહ્યો; 52 ઉમેદવારોએ જનસેવાના શપથ લીધા
'જનસેવા એ જ પ્રભુ સેવા'ના ઉમદા મંત્રને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્ય સાથે મહેસાણા મહાનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 'જનસેવા સંકલ્પ સભા'નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાના સફળ સમાપન બાદ ભાજપ કાર્યાલય પાસે નવનિર્મિત મધ્યસ્થ કાર્યાલયનું મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આગામી ચૂંટણીઓના સંચાલન માટે તૈયાર કરાયેલા આ મધ્યસ્થ કાર્યાલયના પ્રારંભ પ્રસંગે પક્ષના તમામ ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા.જેના કારણે સમગ્ર વાતાવરણ કેસરીયા રંગે રંગાયું હતું. 52 ઉમેદવારોએ જનસેવા માટે સમર્પિત રહેવાના શપથ લીધા હતા
આ અવસરે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર અને જિલ્લા પ્રભારી ભરતભાઈ ડાંગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ તેમજ અમૂલના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ હાજરી આપી કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંક્યો હતો. આ પ્રસંગે મહેસાણા મહાનગરપાલિકાના તમામ 52 ઉમેદવારોએ જનસેવા માટે સમર્પિત રહેવાના શપથ લીધા હતા. કાર્યક્રમને સંબોધતા પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જનસંઘના સમયથી જ જનતાને સમર્પિત રહ્યો છે. 'સંકલ્પ માત્ર ઔપચારિકતા નથી પરંતુ પ્રજા પ્રત્યેનું અમારું સમર્પણ છે'
તેમણે ઉમેર્યું કે, મહેસાણામાં પ્રથમવાર મહાનગરપાલિકા બની છે.ત્યારે પક્ષના તમામ 52 ઉમેદવારો જનસેવા સંકલ્પ લઈ રહ્યા છે. આ સંકલ્પ માત્ર ઔપચારિકતા નથી પરંતુ પ્રજા પ્રત્યેનું અમારું સમર્પણ છે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી વિધાનસભા અને તમામ કોર્પોરેશનમાં ભાજપના શાસનને જનતાએ જે આશીર્વાદ આપ્યા છે. તે ભાજપના કામનું જ પરિણામ છે. જનતાના મતનું વળતર ભાજપ હંમેશા વિકાસના કામો દ્વારા આપે છે. 'ભાજપના અનેક સભ્યો બિનહરીફ વિજેતા થઈ રહ્યા છે'
કોંગ્રેસ પર પ્રહાર કરતા ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, વિરોધ પક્ષને અનેક બેઠકો પર ઉમેદવારો પણ મળી રહ્યા નથી જ્યારે ભાજપના અનેક સભ્યો બિનહરીફ વિજેતા થઈ રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભાજપ ભવ્ય વિજય મેળવશે. આ કાર્યક્રમ ગુજરાતના તમામ 15 કોર્પોરેશનોમાં પક્ષના વિવિધ આગેવાનોની હાજરીમાં યોજાયેલા જનસેવા સંકલ્પ અભિયાનનો એક ભાગ હતો.
Read Original Article →