ઓડિયો ક્લિપ કાંડથી મહેસાણા ભાજપમાં ભડકો:જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિની અટકાયત, આખરે પિન્ટુ પટેલે જિંદગીની મોટામાં મોટી ભૂલ ગણીને માફી માગી
મહેસાણા ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલી આંતરિક રાજકીય ખેંચતાણ અને દાવપેચ હવે જાહેરમાં આવી ગયા છે. પક્ષનો આંતરિક વિખવાદ હવે પોલીસ સ્ટેશનના ઉંબરા સુધી પહોંચતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપના નેતાઓની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થવાના મામલે વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે ગત ટર્મના જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલના પતિ અને ભાજપ અગ્રણી પિન્ટુ પટેલની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે પૂછપરછ કરીને તેને છોડી મૂક્યા હતાં. ‘જે પણ વ્યક્તિઓને દુઃખ લાગ્યું હોય તેમની દિલથી અને હૃદયપૂર્વક માફી માંગું છું’
મહેસાણામાં ભાજપના સાંસદ મયંક નાયક વિશે છેલ્લા બે-ત્રણ દિવસથી સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી હતી, જેને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. આ વિવાદ વચ્ચે મહેસાણા ભાજપના નેતા પિન્ટુ પટેલે જાહેરમાં મીડિયા સમક્ષ આવીને પોતાની આ ટિપ્પણીને જિંદગીની મોટામાં મોટી ભૂલ ગણાવી છે. તેમણે ઓડિયો ક્લિપના મુદ્દે પોતાની ભૂલનો સ્વીકાર કરતા જણાવ્યું છે કે, આ બાબતે જે પણ વ્યક્તિઓને દુઃખ લાગ્યું હોય તેમની તેઓ દિલથી અને હૃદયપૂર્વક માફી માંગું છું. પિન્ટુ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી
મળતી માહિતી મુજબ ભાજપના નેતા પિન્ટુ પટેલે મૌલિક નામના વ્યક્તિ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન સંસદસભ્ય મયંક નાયક વિરુદ્ધ ટિપ્પણીઓ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ટેલિફોનિક સંવાદ બાદ મૌલિક એ પિન્ટુ પટેલ વિરુદ્ધ ફોન પર ધમકી આપવા અને જાહેર સભ્યો વચ્ચે અપમાનિત કરવા બદલ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પિન્ટુ પટેલની અટકાયત કરીને પૂછપરછ કરાઈ
ફરિયાદના આધારે મહેસાણા તાલુકા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પિન્ટુ પટેલની અટકાયત કરી હતી. ભાજપના જ બે જૂથો અથવા નેતાઓ વચ્ચેની આ લડાઈ જેલના સળિયા સુધી પહોંચતા શાસક પક્ષની આંતરિક જૂથબંધી ખુલ્લી પડી ગઈ છે. જોકે અટકાયતના થોડા સમય બાદ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને પિન્ટુ પટેલને મુક્ત કરવામાં આવ્યા હતા. 'પિન્ટુ પટેલ મુક્ત કરવામાં આવ્યા ને તપાસ ચાલુ છે'
સમગ્ર બાબતે મહેસાણા તાલુકા પી.આઈ.જે.જે અમીને જણાવ્યું કે તેઓ સામે ફરિયાદ નોંધાતા અટકાયત કરવામાં આવી હતી. બાદમાં તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા. તેમજ આ કેસમાં તપાસ ચાલુ છે.
Read Original Article →