ધંધાના બહાને કેમિકલ વેપારી સાથે વિશ્વાસઘાત:મહેસાણામાં આંગડિયા પેઢીના સંચાલકોએ અમદાવાદના વેપારી સાથે 1.30 કરોડની છેતરપિંડી આચરી, બે સંચાલક ભાઈઓ સામે ગુનો દાખલ

Gujarat5/16/2026, 4:05:16 PM
ધંધાના બહાને કેમિકલ વેપારી સાથે વિશ્વાસઘાત:મહેસાણામાં આંગડિયા પેઢીના સંચાલકોએ અમદાવાદના વેપારી સાથે 1.30 કરોડની છેતરપિંડી આચરી, બે સંચાલક ભાઈઓ સામે ગુનો દાખલ
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા સત્યમ ઈન્સીગનીયામાં રહેતા 59 વર્ષીય બિમલભાઈ બિપીનચંદ્ર શાહ છેલ્લા 15 વર્ષથી કેમિકલ ટ્રેડિંગનો વ્યવસાય કરે છે. ધંધાના સિલસિલામાં અવારનવાર મહેસાણા આવવા-જવાના કારણે, તેમનો પરિચય બી.કે. સિનેમા સામે આવેલી 'રામા મોહન આંગડિયા પેઢી'ના સંચાલકો પ્રવિણભાઈ મફતભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ મફતભાઈ પટેલ સાથે થયો હતો. આંગડિયા પેઢી દ્વારા નિયમિત નાણાકીય વ્યવહારો થતા હોવાથી વેપારીનો આ બંને ભાઈઓ પર ગાઢ વિશ્વાસ બંધાયો હતો. પ્લોટ આપવાની લાલચ આપી ₹1.50 કરોડ હાથ ઉછીના લીધા વર્ષ 2024માં પ્રવિણભાઈ પટેલે બિમલભાઈને ફોન કરીને મહેસાણા ઓફિસે બોલાવ્યા હતા. બંને ભાઈઓએ આંગડિયા પેઢીમાં નાણાંની હેરફેર માટે પૈસાની જરૂરિયાત હોવાનું જણાવી ₹1.50 કરોડ હાથ ઉછીના માંગ્યા હતા. તેમણે ખાતરી આપી હતી કે આ રકમ 6 મહિનામાં પરત કરી દેશે અને જો ન આપી શકે તો નંદાસણ ખાતે આવેલો પોતાનો પ્લોટ વેપારીના નામે કરી આપશે. આ વિશ્વાસ પર વેપારીએ સગા-સંબંધીઓ પાસેથી ટુકડે-ટુકડે રકમ ભેગી કરીને બંને ભાઈઓને મહેસાણા ઓફિસે રોકડા ચૂકવ્યા હતા. રૂપિયા ચૂકવવામાં ઠાગાઠૈયા અને ફોન બંધ કર્યા 6 મહિનાનો સમય પૂરો થતાં બિમલભાઈએ પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી. વારંવારની માંગણી બાદ સંચાલકોએ ₹20 લાખ પરત આપ્યા હતા અને બાકીના પૈસા બે મહિનામાં ચૂકવવાનું વચન આપ્યું હતું. ત્યારબાદ પ્લોટનો દસ્તાવેજ કરી આપવાના બહાને વેપારીને નંદાસણ બોલાવીને બંને સંચાલકોએ પોતાના ફોન બંધ કરી દીધા હતા. બાકીના ₹1.30 કરોડ માંગતા જાનથી મારી નાખવાની ધમકી આખરે વેપારી જ્યારે મહેસાણા ઓફિસે બાકી નીકળતા ₹1.30 કરોડ પરત માંગવા ગયા, ત્યારે પ્રવિણભાઈ અને મહેન્દ્રભાઈ પટેલે ઉશ્કેરાઈને બોલાચાલી કરી હતી. બંને આરોપીઓએ વેપારીને ધમકાવતા સ્પષ્ટ કહી દીધું હતું કે, "હવે બાકીના પૈસા લેવા આવતા નહીં, નહીંતર જાનથી મારી નાખીશું". આંગડિયા પેઢીના સંચાલક ભાઈઓએ એકબીજાની મદદગારીથી વિશ્વાસઘાત, છેતરપિંડી અને ધમકી આપતાં ભોગ બનનાર વેપારી બિમલભાઈ શાહે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને બંને આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read Original Article →