સર્કિટ હાઉસ કટ પાસે અજાણ્યા બાઇક ચાલકે વૃદ્ધને ટક્કર મારી:રોડ પર પટકાતાં બેભાન થઈ ગયા, મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
મહેસાણામાં સર્કિટ હાઉસ કટ પાસે અજાણ્યા બાઇક ચાલકે વૃદ્ધને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અંગે કાંતિલાલ નરસિંહભાઈ પરમારે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વૃદ્ધ બાઇક લઇને દવાખાને જતા હતા
મહેસાણાના વિસનગર લિંક રોડ પર આવેલી જગજીવન સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા 67 વર્ષીય કાંતિલાલ નરસિંહભાઈ પરમાર ગત 20 મેના રોજ સાંજના આશરે સાડા પાંચ વાગ્યે પોતાનું મોટરસાયકલ નંબર GJ 02 BJ 4931 લઈને રાધનપુર રોડ પર આવેલા સંબંધીના દવાખાને જવા નીકળ્યા હતા. બાઇક ચાલકે ફરિયાદીના બાઇકના પાછળના ભાગે ટક્કર મારી
આ દરમિયાન મહેસાણા-અમદાવાદ હાઇવે પર સર્કિટ હાઉસ જવાના કટ પાસેથી તેઓ સર્વિસ રોડ પર જવા માટે હાઇવે ક્રોસ કરી રહ્યા હતા. તે જ સમયે મોઢેરા ચાર રસ્તા તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક અજાણ્યા મોટરસાયકલ ચાલકે કાંતિલાલના બાઇકને પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. રોડ પર પટકાતાં બેભાન થઈ ગયા હતા
આ અકસ્માતમાં કાંતિલાલ રોડ પર પટકાતાં તેમને માથા તેમજ ડાબા ખભાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. અકસ્માત બાદ આસપાસના લોકોએ તેમને તાત્કાલિક સારવાર અર્થે લાયન્સ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ભાનમાં આવ્યા બાદ કાંતિલાલે અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા બાઇક ચાલક વિરૂદ્ધ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધોરણસરની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →