‘જનતા ચોકલેટો ખાઈને ગુજરાન ચલાવી શકતી નથી’:મોંઘવારીના વિરોધમાં ગળામાં શાકભાજીના હાર પહેરી AAP કાર્યકરોએ મહેસાણા કલેક્ટર કચેરીએ મોરચો માંડ્યો

Gujarat5/21/2026, 7:52:06 AM
‘જનતા ચોકલેટો ખાઈને ગુજરાન ચલાવી શકતી નથી’:મોંઘવારીના વિરોધમાં ગળામાં શાકભાજીના હાર પહેરી AAP કાર્યકરોએ મહેસાણા કલેક્ટર કચેરીએ મોરચો માંડ્યો
દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવવધારા સામે જનતાનો આક્રોશ વ્યક્ત કરવા માટે મહેસાણામાં આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ કર્યો હતો. પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, સીએનજી અને દૂધના ભાવમાં ઝીંકાયેલા અસહ્ય વધારાના વિરોધમાં 'આપ'ના કાર્યકરો ગળામાં શાકભાજીના હાર પહેરીને રસ્તા પર ઉતરી આવ્યા હતા. ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી કલેક્ટર ઓફિસ સુધી રેલી આ વિરોધ પ્રદર્શન અંતર્ગત શહેરની ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી કલેક્ટર ઓફિસ સુધી એક વિશાળ વિરોધ રેલી યોજવામાં આવી હતી. રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચેલા કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું અને ત્યારબાદ મોંઘવારીના મુદ્દે મહેસાણાના અધિક કલેક્ટરને એક સત્તાવાર આવેદનપત્ર સુપરત કર્યું હતું. ‘ડીઝલના ઊંચા ભાવને કારણે ખેડૂતોના ટ્રેક્ટરો થંભી ગયા’ 'આપ'ના જિલ્લા પ્રમુખ જયદેવસિંહે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજે મોંઘવારીના કારણે મધ્યમ અને ગરીબ વર્ગની કમર તૂટી ગઈ છે. પેટ્રોલ-ડીઝલથી લઈને દૂધ અને શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ડીઝલના ઊંચા ભાવને કારણે ખેડૂતોના ટ્રેક્ટરો થંભી ગયા છે અને જો ખેડૂત ખેતી નહીં કરી શકે તો અનાજની અછત સર્જાશે, જેનાથી દેશમાં ભૂખમરો અને ગુનાખોરી વધશે. ‘જનતા ચોકલેટો ખાઈને ગુજરાન ચલાવી શકતી નથી’ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા ઉમેર્યું હતું કે, એકબાજુ આખું ભારત મોંઘવારીથી ઝઝૂમી રહ્યું છે ત્યારે વડાપ્રધાન ઈટાલીમાં જઈને ચોકલેટો વહેંચી રહ્યા છે. સામાન્ય જનતા ચોકલેટો ખાઈને ગુજરાન ચલાવી શકતી નથી કારણ કે અમારે પરિવાર છે. રશિયા જ્યારે સસ્તા ભાવે ક્રૂડ ઓઈલ આપવા તૈયાર છે, ત્યારે સરકાર શા માટે તેની પાસેથી તેલ ખરીદીને જનતાને રાહત આપતી નથી તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો. 'આપ' નેતાએ રાજ્યપાલ, મુખ્યમંત્રી અને વડાપ્રધાનને તાત્કાલિક અસરથી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા વિનંતી કરી છે અને જો સરકાર મોંઘવારી કાબૂમાં ન લઈ શકતી હોય તો રાજીનામું આપવાની માગ કરી છે.
Read Original Article →