ચોમાસા પહેલાં મુખ્ય કામગીરી પૂરી કરવાની તૈયારી:તોરણવાળી હેરિટેજ પ્લાઝા ફાઉન્ડેશનનું કામ સપ્તાહમાં પૂરું થયા બાદ મધ્ય માર્ગ બંધ કરાશે
મહેસાણાના તોરણવાળી બજાર ચોક ખાતે ચાલી રહેલા હેરિટેજ સ્ટ્રીટ પ્રોજેક્ટની કામગીરી હવે ઝડપથી આગળ વધી રહી છે. બે પ્લાઝામાંથી પુસ્તકાલયથી બસ સ્ટોપ તરફની બાજુનું ફાઉન્ડેશન પૂર્ણ થઈ ગયું છે, જ્યારે હવે સામેની બાજુએ પણ ફાઉન્ડેશન માટે 3-3 મીટરના અંતરે ખાડા ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગામી અઠવાડિયામાં આ કામગીરી પૂર્ણ થવાની શક્યતા છે. ત્યાર બાદ મધ્ય ભાગમાં વિકાસનું મુખ્ય કામ હાથ ધરવામાં આવશે. રૂ.4.38 કરોડના ખર્ચે બનતા આ પ્રોજેક્ટ હેઠળ સિટી બસ પીકઅપ સ્ટેન્ડથી પુસ્તકાલય અને સિંધી માર્કેટથી ઘડિયાળ સર્કલ સુધી હેરિટેજ પ્લાઝાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જોકે, બંને પ્લાઝા વચ્ચે પીલાજીગંજથી જૂની તાલુકા પંચાયત તરફ જતો માર્ગ અગાઉના આયોજન મુજબ ખુલ્લો જ રાખવામાં આવશે. હાલમાં એક બાજુ નવ ખાડા ખોદીને ફાઉન્ડેશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે સામેની બાજુએ પણ સમાન રીતે નવ ખાડા ખોદી કામગીરી શરૂ કરવામાં આવી છે. રવિવારે રજાના કારણે વાહન વ્યવહાર ઓછો હોવાથી દિવસ દરમિયાન જેસીબી દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી. જોકે, સામાન્ય દિવસોમાં ભારે ટ્રાફિક રહેતો હોવાથી મોટાભાગનું કામ રાત્રિના સમયે કરવામાં આવી રહ્યું છે. પ્લાઝાની બંને બાજુનું ફાઉન્ડેશન પૂર્ણ થયા બાદ વચ્ચેના ડામર રોડ પર વિકાસ કામગીરી શરૂ થશે. આ દરમિયાન હાલનો મધ્ય માર્ગ અસ્થાયી રીતે બંધ કરાશે. જોકે, વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે ફાઉન્ડેશન અને દુકાનો વચ્ચેની બંને બાજુએ 5.5 મીટરની જગ્યા ખુલ્લી રાખવામાં આવશે, જ્યાંથી વન-વે ટ્રાફિક ચાલુ રાખવામાં આવશે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે બંને બાજુથી અવરજવર સરળ રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇ મોટી રાહત રહેશે. પિલરનું કામ અંતિમ તબક્કામાં હાથ ધરાશે મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ, ફાઉન્ડેશન પૂર્ણ થયા બાદ ફ્લોરિંગ, પીસીસી, કોટાસ્ટોન સહિતના વિકાસ કામ શરૂ થશે, જ્યારે પિલર સ્થાપનાનું કામ અંતિમ તબક્કામાં હાથ ધરાશે. તંત્ર દ્વારા કામગીરી અને ટ્રાફિક વ્યવસ્થા બંને સંતુલિત રીતે જાળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Read Original Article →