લાંઘણજમાં તમાકુ ચોરીનો ભેદ ઉકેલાયો:₹73,500ની કિંમતના 48 કોથળા મુદ્દામાલ સાથે બે શખસની ધરપકડ

Gujarat5/24/2026, 8:28:53 AM
લાંઘણજમાં તમાકુ ચોરીનો ભેદ ઉકેલાયો:₹73,500ની કિંમતના 48 કોથળા મુદ્દામાલ સાથે બે શખસની ધરપકડ
લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજેતરમાં થયેલી તમાકુની મોટી ચોરીનો ભેદ ઉકેલવામાં સ્થાનિક પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે બે રીઢા ચોરોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરીને ચોરી કરાયેલો ₹73,500 ની કિંમતનો તમામ મુદ્દામાલ રિકવર કરી લીધો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના બાદ એક્શનમાં આવેલી લાંઘણજ પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ગુનાનો પર્દાફાશ કર્યો છે. ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી પોલીસ પેટ્રોલિંગમાં હતી ગાંધીનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તથા નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલ દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટ ચોરીઓ શોધી કાઢવા ખાસ ઝુંબેશ ચલાવવાની સૂચના આપવામાં આવી હતી. આ આદેશના પગલે લાંઘણજ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. ગેલોતના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ-અલગ ટીમો સતત પેટ્રોલિંગમાં હતી. ગોઝારીયાથી બે શંકાસ્પદ ઇસમો ઝડપાયા, મુલસણ ગામેથી મુદ્દામાલ મળ્યો દરમિયાન લાંઘણજ પોલીસના કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ભીખાજી અને નરેન્દ્રસિંહ કલ્યાણસિંહને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, તમાકુ ચોરીની ઘટનામાં સંડોવાયેલા બે શંકાસ્પદ ઇસમો ગોઝારીયા ખાતે ચોરીની તમાકુ વેચવાની ફિરાકમાં ફરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત ફિલ્ડિંગ ગોઠવીને ગોઝારીયાથી વિપુલકુમાર અશોકભાઇ દંતાણી (રહે. સાદરા, મૂળ રહે. ભીમાસણ) અને રણજીત જયંતિભાઇ દંતાણી (રહે. મુલસણ, તા.જી. મહેસાણા) ને ઝડપી લીધા હતા. પોલીસે પકડાયેલા બંને શખ્સોની આગવી ઢબે કડક પૂછપરછ કરતાં તેમણે તમાકુની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓની કબૂલાત મુજબ, તેમણે ચોરી કરેલો તમાકુનો જથ્થો મુલસણ ગામે છુપાવી રાખ્યો હતો. જેથી પોલીસે ત્યાં દરોડો પાડીને છુપાવેલા તમાકુના કુલ 48 કોથળા જપ્ત કર્યા હતા, જેની અંદાજિત બજાર કિંમત ₹73,500 થાય છે. BNS હેઠળ ગુનો નોંધી ધરપકડ લાંઘણજ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 303(2) અને 54 મુજબ નોંધાયેલા ચોરીના ગુનામાં બંને આરોપીઓની સત્તાવાર ધરપકડ કરી છે. આ સફળ કામગીરીમાં એ.એસ.આઈ. (ASI) સાહીલસિંહ નરેન્દ્રસિંહ, કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ, અજયસિંહ તથા મહીપાલસિંહ સહિતના પોલીસ સ્ટાફે પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી.
Read Original Article →