ઉ.ગુ.માં 16 લાખ હેક્ટરમાં ખરીફ વાવણીનો અંદાજ‎:3.44 લાખ હેક્ટર સાથે બનાસકાંઠામાં સૌથી વધુ વાવેતરનો અંદાજ,35 ટકા દિવેલા અને મગફળી‎

Gujarat6/7/2026, 12:00:00 AM
ઉત્તર ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ ખરીફ વાવણીની તૈયારીઓ તેજ બની છે. આ વર્ષે ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓમાં મળીને અંદાજે 16.69 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થવાનો અંદાજ છે. વાવેતરના આંકડાઓ દર્શાવે છે કે પ્રદેશની ખેતીમાં પશુપાલન અને રોકડિયા પાકોનું પ્રભુત્વ સતત વધી રહ્યું છે. કુલ વાવેતરમાં સૌથી મોટો હિસ્સો ઘાસચારાનો રહેશે, દિવેલા અને મગફળી ખેડૂતોની પ્રથમ પસંદગી તરીકે ઉભરી રહ્યા છે. જિલ્લાવાર અંદાજ મુજબ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 3.44 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થવાની સંભાવના છે. ત્યારબાદ પાટણમાં 3.24 લાખ હેક્ટર અને વાવ-થરાદ વિસ્તારમાં 2.91 લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી થશે. મહેસાણામાં 2.81 લાખ હેક્ટર, સાબરકાંઠામાં 2.28 લાખ હેક્ટર અને અરવલ્લીમાં 1.98 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થવાનો અંદાજ છે. માત્ર બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદ વિસ્તાર મળીને ઉત્તર ગુજરાતના કુલ વાવેતરના અડધાથી વધુ હિસ્સો ધરાવશે. ઉત્તર ગુજરાતની જમીન અને આબોહવા દિવેલાના પાક માટે અનુકૂળ હોવાથી આ વર્ષે 3.23 લાખ હેક્ટર વિસ્તારમાં દિવેલાનું વાવેતર થવાનો અંદાજ છે, જે કુલ વિસ્તારના 19.40 ટકા બરાબર છે. 4 હેક્ટરમાંથી 1 હેક્ટર ઘાસચારા માટે કુલ 16.69 લાખ હેક્ટરના અંદાજિત વાવેતરમાંથી 4.11 લાખ હેક્ટર વિસ્તાર ઘાસચારા માટે ફાળવાશે, જે કુલ વાવેતરના 24.64 ટકા જેટલો થાય છે. એટલે કે દરેક ચાર હેક્ટરમાંથી એક હેક્ટર જમીન પશુઓના ચારા માટે વપરાશે. ઉત્તર ગુજરાતમાં પશુપાલન ખેડૂતોની આવકનો મહત્વનો આધાર હોવાથી લીલા ચારા માટે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. વાવેતરની ગણતરી હવે સંપૂર્ણ ડિજિટલ ચાલુ ખરીફ સિઝનથી વાવેતરની નોંધણી પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવામાં આવી છે. હવે ગ્રામસેવકો કૃષિ પ્રગતિ એપ્લિકેશન મારફતે સપ્તાહમાં બે વખત પાકવાર વાવેતરની માહિતી અપડેટ કરશે. તાલુકા કક્ષાએ ચકાસણી અને મંજૂરી બાદ માહિતી જિલ્લા સ્તરે પહોંચશે. નવી વ્યવસ્થાથી વાવેતરના આંકડાઓ વધુ ઝડપથી અને ચોકસાઈપૂર્વક ઉપલબ્ધ બનશે તેમજ કાગળ આધારિત પ્રક્રિયામાં થતી ભૂલો અને વિલંબમાં ઘટાડો થશે.
Read Original Article →