મહેસાણાની જમીન સંપાદન અધિકારીની કચેરી સીલ કરી સામાન જપ્ત કરાયો:ખેડૂતોને લાંબા સમયથી વળતર ન ચૂકવાતા કોર્ટે જપ્તી વોરંટ જારી કર્યું'તું

Gujarat4/4/2026, 3:05:05 PM
મહેસાણાની જમીન સંપાદન અધિકારીની કચેરી સીલ કરી સામાન જપ્ત કરાયો:ખેડૂતોને લાંબા સમયથી વળતર ન ચૂકવાતા કોર્ટે જપ્તી વોરંટ જારી કર્યું'તું
નર્મદા યોજના માટે સંપાદિત કરવામાં આવેલી જમીનના વળતર મામલે તંત્રની ઉદાસીનતા સામે કડી સિવિલ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ખેડૂતોને લાંબા સમયથી વળતર ન ચૂકવાતા કોર્ટે જપ્તી વોરંટ જારી કર્યું હતું.જેના પગલે આજે ખેડૂતોએ સરકારી કચેરીનો સામાન જપ્ત કરી ઓફિસને સીલ મારી દીધું હતું. કોર્ટે મિલકત જપ્તીનું વોરંટ બહાર પાડ્યું હતું અરજદાર સોલંકી સેંધાજી પ્રતાપજી અને અન્ય ખેડૂતોની જમીન નર્મદા કેનાલ પ્રોજેક્ટ હેઠળ સંપાદિત કરવામાં આવી હતી.આ અંગેના લેન્ડ એક્વિઝિશન રેફરન્સ (LAR) કેસ નં. 17/2015 થી 26/2015 સંદર્ભે ખેડૂતોને વળતર ચૂકવવાનો આદેશ થયો હતો. આમ છતાં લાંબા સમય વીતી જવા છતાં વળતરની રકમ ન મળતા ખેડૂતોએ કાયદાકીય લડત ચાલુ રાખી હતી.અંતે કડીની સિવિલ કોર્ટે નાયબ કલેક્ટર અને ખાસ જમીન સંપાદન અધિકારી વિરુદ્ધ કુલ રૂ 4,30,327 ની વસૂલાત માટે જંગમ મિલકત જપ્તીનું વોરંટ બહાર પાડ્યું હતું. કચેરીને સીલ પણ મારીને સામાન જપ્ત કરાયો કોર્ટના આદેશ બાદ આજે ખેડૂતો કોર્ટના બેલીફ સાથે મહેસાણા સ્થિત જમીન સંપાદન અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતોએ કચેરીમાં પડેલા ખુરશી, ટેબલ અને અન્ય વસ્તુ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આટલું જ નહીં વસૂલાતની પ્રક્રિયાના ભાગરૂપે ખેડૂતોએ કચેરીને સીલ પણ મારી દીધું હતું. કોર્ટની કાર્યવાહીથી વહીવટી આલમમાં ફફડાટ સરકારી તંત્ર દ્વારા ખેડૂતોના હકનું વળતર ચૂકવવામાં કરવામાં આવતા વિલંબ સામે કોર્ટની આ કાર્યવાહીએ વહીવટી આલમમાં ફફડાટ મચાવી દીધો છે. પોતાની જ જમીન ગુમાવ્યા બાદ વળતર માટે વર્ષો સુધી રાહ જોતા ખેડૂતોએ આજે કાયદાના સહારે તંત્રને જડબાતોડ જવાબ આપ્યો હતો.
Read Original Article →