એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટનો કડીમાં સપાટો:બાળ મજૂરી કરતા 10 માસૂમોને મુક્ત કરાવાયા, સંચાલકોને ફટકારાઈ નોટિસ
ગાંધીનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસીંહ યાદવ અને મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક સોલંકીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બાળ મજૂરી નાબૂદી માટે એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ, ગાંધીનગર દ્વારા આગામી 30 જૂન સુધી જાહેર કરવામાં આવેલી આ ખાસ ડ્રાઇવ અંતર્ગત મહેસાણા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ દ્વારા શ્રમ વિભાગ અને સ્થાનિક NGO સંસ્થાઓ સાથે સંકલન સાધીને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ત્રણ બાળકોનું રેસ્ક્યૂ કરીને ચાઈલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ રજૂ કરી સોંપાયા
આ સંયુક્ત ઓપરેશન દરમિયાન ટીમોએ કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી અલગ-અલગ જગ્યાઓ પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી, જ્યાંથી કુલ 10 બાળકો બાળ મજૂરી કરતા મળી આવ્યા હતા. અધિકારીઓએ આ તમામ બાળકોને બાળ મજૂરીની પકડમાંથી મુક્ત કરાવ્યા છે. મુક્ત કરાવેલા બાળકો પૈકી 3 બાળકોને રેસ્ક્યુ કરીને કાયદેસરની પ્રક્રિયા હેઠળ ચાઇલ્ડ વેલ્ફર કમિટી સમક્ષ રજૂ કરી તેમને સોંપવામાં આવ્યા છે. પોલીસ અને શ્રમ વિભાગે તમામ સંચાલકોને નોટિસ ફટકારી કાર્યવાહી હાથ ધરી
આ સાથે જ કાયદાનું ઉલ્લંઘન કરીને માસૂમ બાળકો પાસે મજૂરી કરાવતા વિવિધ એકમોના સંચાલકો સામે લાલ આંખ કરવામાં આવી છે. પોલીસ અને શ્રમ વિભાગ દ્વારા આ તમામ સંચાલકોને નોટિસ ફટકારીને તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં એ.એચ.ટી.યુ. મહેસાણા તેમજ બાળ અને તરૂણ શ્રમયોગી વિભાગ મહેસાણાની ટીમોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
Read Original Article →