બાઈક માઈલસ્ટોન સાથે અથડાતા યુવકનું મોત:ઘરેથી સાંથલ જવા નીકળ્યો'ને કાળનો ભેટો, જોટાણાના કટોસણ-સાંથલ રોડ પર બની ઘટના
મહેસાણાના જોટાણા તાલુકાના કટોસણ-સાંથલ રોડ પર શનિવારે સાંજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. કટોસણ ધનપુરાના 30 વર્ષીય યુવક નરપતસિંહ ઝાલા પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે ઈંટોના ભઠ્ઠા પાસે બાઈક પરનો કાબૂ ગુમાવતા વાહન માઈલસ્ટોન સાથે જોરદાર અથડાયું હતું. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે યુવકનું મોત નિપજ્યું છે. માઈલસ્ટોન સાથે અથડાઈને બાઈક સ્લીપ
કટોસણ ધનપુરા (ઉદપુરા વિભાગ)માં રહેતા નરપતસિંહ ઝાલા(ઉ.વ. 30) શનિવારે બપોરે ચારેક વાગ્યાના સુમારે પોતાના ઘરેથી બાઈક લઈને સાંથલ તરફ જવા નીકળ્યા હતા.કટોસણથી સાંથલ જતા રોડ પર જાહેર રોડ ઉપર આવેલ ઈંટોના ભઠ્ઠા સામે તેમનું બાઈક પૂરઝડપે હોવાથી અચાનક માઈલસ્ટોન સાથે અથડાઈને સ્લીપ ખાઈ ગયું હતું. સારવાર સમયે યુવકે જીવ ગૂમાવ્યો
અકસ્માતની જાણ થતા જ મૃતકના કાકા માલભા જાલમસિંહ ઝાલા સહિતના પરિવારજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા.ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 મારફતે જોટાણા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે સાંથલ પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી ઈન્ક્વેસ્ટ પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. સી.આઈ.એસ.એફ.ના નિવૃત જવાન માલભા ઝાલાની ફરિયાદના આધારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવાન પુત્રના અકાળે અવસાનથી કટોસણ પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
Read Original Article →